મોરબી માર્કેટિંગ યાર્ડની ૧૬ બેઠકો માટે ગઇકાલે ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ ચૂંટણીમાં મતદાન કરવા માટે થઈને મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આજે મોરબી માર્કેટ યાર્ડ ખાતે હાલમાં ૧૬ બેઠકો માટે થઈને મતદારોએ કરેલા મતદાનની ગણતરી સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. અને સૌ પ્રથમ ખરીદ વેચાણ સંઘમી પેનલના મતોની ગણતરી કરી હતી. જેમા ખરીદ વેચાણ સંઘના વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલના બન્ને ઉમેદવારનો વિજય થયો છે. જેમા મોરબી યાર્ડના વર્તમાન ચેરમેન મગનભાઇ વડાવીયા અને બાવરવા મનહરભાઇનો વિજય થયો છે જો કે, સહકારી ક્ષેત્રના સિનિયર આગેવાન વાઘજીભાઇ બોડાના દિકરા દલસુખભાઇનો ખરીદ વેચાણ વિભાગમાં પરાજય થયો છે.
મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની મત ગણતરીમાં આજે મોટો અપસેટ સામે આવેલ છે અને 19 વર્ષથી ભાજપ પ્રેરિત પેનલ સત્તામાં હોવા છતા કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવાર વિજેતા બન્યા છે. જેમા વેપારી પેનલમાં કોંગ્રેસ પ્રેરિત છત્રોલા ભરતભાઇ, બાવરવા કિશોરભાઇ અને ઢેઢી શશિકાંતનો વિજય થયો છે તો ભાજપ પ્રેરિત પેનલના મોરબી જીલ્લા પંચાયતના માજી પ્રમુખ કેશુભાઇ રૈયાણીનો વિજય થયો છે અને યાર્ડની કુલ ૧૬ માંથી હાલમાં છ બેઠકની ગણતરી પુરી થયેલ થે જેમા ૩ બેઠક ઉપર કોંગ્રેસ અને ૩ બેઠક ઉપર ભાજપના આગેવાન વિજેતા બનેલા છે અને હજુ ખેડુત પેનલની 10 બેઠકોની મત ગણતરી ચાલી રહી છે.