મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મચ્છુ માતાજીની રથયાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ભરવાડ અને રબારી સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અષાઢી બીજ નિમિત્તે મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે 20 મી શોભાયાત્રા યોજાઇ હતી આ શોભાયાત્રા મચ્છુ માતાજીની જગ્યાથી શરુ થઈને દરબાર ગઢ ખાતે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધી યોજાય છે અને ભરવાડ અને રબારી સમાજના લોકો હજારોની સંખ્યામાં આ રથયાત્રામાં જોડાય છે અને મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે.
આ રથયાત્રા શહેર ભરમાં ફરે છે અને સાથે સાથે ભરવાડ અને રબારી સમાજના વડીલો, મહિલાઓ અને યુવાનો દ્વારા પરંપરાગત હુડો રાસ ની રમઝટ બોલાવવામાં આવે છે.આ રથયાત્રા મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ થાય છે ત્યાર બાદ ધ્વજા રોહણ કરીને મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવે છે. તેમજ રાત્રીના સમયે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે.આમ અષાઢી બીજના દિવસે આખો દિવસ મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.