ચાલુ બસે આંગણીયા પેઢીના કર્મચારી અને એસ.ટી.ના ચાલકની હત્યા નિપજાવી રૂ.૪૫ લાખની લૂંટ ચલાવી ‘તી

મોરબીમાં વર્ષ ૨૦૧૦ના લૂંટ વિથ ડબલ મર્ડર કેસનો આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે. લૂંટ સાથે બે વ્યક્તિની નિર્મમ હત્યા નિપજાવીને પોલીસ ઉપર ગોળીબાર કરનાર ચાર આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જો કે ૧૩માંથી ૭ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કરીને છોડી મુક્યા છે. ઉપરાંત બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ  ૨૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ભુજ તળાજા રૂટની બસમાં મુસાફરના સ્વાંગમાં આવેલ લૂંટારૂ ગેંગે મોરબી માળીયા હાઇવે પર આવેલ નાગડાવાસ ગામ નજીક બસમાજ ભુજની આંગણિયા પેઢીના કર્મચારીની તેમજ બસના ડ્રાઇવરની નિર્મમ હત્યા કરીને રૂ. ૪૫ લાખની લૂંટ ચલાવી હતી.

ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર આ ખૂંખાર ગેંગ પોતાના કામને અંજામ આપ્યા બાદ નાગડવાસ ગામ પાસે બસમાંથી નીચે ઉતરીને રોડ પરથી ઇન્ડીકા કાર ઉઠાવી લઈને ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. ઉપરાંત આ ખૂંખાર ગેંગે પાટડી નજીક પોલીસ ઉપર ગોળીબાર પણ કર્યો હતો. લૂંટ વિથ મર્ડર કેસમાં સંડોવાયેલ કુલ ૧૩ શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાંથી ૧૧ આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. જો કે બે આરોપીઓ હજુ પણ ફરાર હાલતમાં છે.

લૂંટ વિથ મર્ડર કેસનો આજે ડિસ્ટ્રિક્ટ  કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે ૭ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. જ્યારે ૪ આરોપીઓ રૂસ્મતસિંગ ઉર્ફે બબલુ રવિન્દ્રસિંગ રહે. મધ્યપ્રદેશ, આબીદખાન ઉર્ફે સાયો ઇજમલખાન પઠાણ રહે. સાણંદ, અલ્કેશ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલબીરસિંગ ઉદલસિંગ ભદુરિયા રહે. મધ્યપ્રદેશ અને રૂપેન્દ્ર ઉર્ફે રૂપેશ ઉર્ફે બિપિન રામસંગ આસારામ મિશ્રા રહે. મધ્યપ્રદેશ વાળાને કસૂરવાર ઠેરવીને ચારેયને આજીવન કેદની સજા ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.