- વિસ્તારમાં 15 જેટલા વેપારીઓએ 60 જેટલા પત્રો લખીને ગંદકી દૂર કરવા રજૂઆત
- ગંદકીને કારણે વેપાર ઠપ્પ થઈ રહ્યા હોવાના લોકો દ્વારા આક્ષેપ
છેલ્લા ઘણા સમયથી ગંદકીને કારણે ત્રસ્ત વેપારીઓ થાકી ગયા છે.જેથી હવે મોરબીના લાતી પ્લોટ શેરી નં 5 ખાતેના નાના મોટા વેપારીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી સાફ સફાઈ કરાવી ગંદકી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. લાતી પ્લોટ વિસ્તારમાં 15 જેટલા વેપારીઓએ 60 જેટલા પત્રો લખીને ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે અને આ ગંદકીને કારણે વેપાર ઠપ્પ થઈ રહ્યા હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી, તાજેતરમાં સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા બાબતે સંવેદનશીલ છે ત્યારે સ્થાનિક તંત્રના પાપે આ સ્વચ્છતા ઝુંબેશમાં મોરબીની જમીની હકીકત કઈક અલગ જ જોવા મળી રહી છે. સ્થાનિક તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડતા વેપારીઓ થાકી જતા અંગે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં નાના મોટા વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે. વેપારીઓએ માંગ કરી છે કે વરસાદ હોય ત્યારે તો ઠીક પરંતુ રોજે રોજ પાણી ભરાય છે. તેમજ કચરો ટેક્ટરો ભરાય એટલો બધો વિકાસ અમારા લાતીપ્લોટ શેરીમા થયો છે. પણ તે મોરબી નગર પાલિકાને બધું દેખાતું જ નથી.
તેમજ એવા કોઈ અધિકારીઓ જ નથી કે વેપારીઓ કહી શકીએ કે આ જવાબદાર અધિકારી છે. કારણકે અમારી ફરિયાદ જ કોઈ સાંભળતું નથી તેથી બેજવાબદાર અધિકારીઓ મોરબી નગર પાલિકામાં કાર્યરત છે. તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારને વર્ષે કરોડો રૂપિયા ટેક્સ વેપારીઓ ભરે છે. તેમ છતાં સુવિધાના નામે મીંડું છે અને કોઈ અધિકારીઓ જવાબ પણ આપવા તૈયાર નથી. મોરબી નગર પાલિકા અને કલેકટરને વવારંવાર ફરિયાદ કરી હોવા છતાં તો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. તે કારણોસર લાતીપ્લોટ શેરી-5 ના બધા જ વેપારીઓ પ્રધાનમંત્રીને ફરિયાદ કરવા મજબુર થયા છે. તેમજ લાતીપ્લોટ શેરી માં ગંદગીના કારણોસર કોઈ ગ્રાહક પણ આવવા તૈયાર નથી.
તેમજ જો ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં નહિ આવે તો હજારો નાની-મોટી દુકાનો અને ફેક્ટરીઓ બંધ કરવી પડશે. અને તે કારણોસર ભારત સરકાર અને ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ બંધ થશે તેમજ હજારો લોકોની રોજી-રોટી પણ છીનવાય જશે. તેમજ મોરબીના લોકો છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી રહ્યા છે એટલે કે મોરબીમાં વિકાસ ખાલી નામનો છે એવું કહી શકાય. મોરબીમાં કોઈ સુવિધા નથી બસ એક જ સુવિધા છે ખાલી કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાનો અને તેની સામે સરકાર અમને ગંદગી અને રોગચાળો આપશે. તેથી મોરબીના બેજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી વેપારીઓને રોગચાળા માંથી મુક્તિ અપાવવા માંગ કરાઇ છે.