મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બાયોડિઝલ ગેરકાયદેસર વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી આદેશ બાદ મોરબી એલ.સી.બી. ટિમ એક્શન મોડમાં આવી છે અને પાનેલી ગામ નજીક કારખાના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં 5500 લીટર, કાર, ફ્યુલ પમ્પ, બોલેરો કાર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે તો અન્ય આરોપીના નામ ખુલતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાને જરૂરી સુચના કરતા એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન જયવંતસિંહ ગોહીલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા (રહે, શનાળારોડ, ભરતનગર-02, મોરબી) , તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા (રહે મોરબી) એમ બન્ને એકબીજા સાથે મેળાપીપણું કરી રફાળેશ્વરથી પાનેલી ગામ તરફ જતા રસ્તે ટેન્કરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફ્યુલપંપ મારફતે જુદા જુદા નાના મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી આપે છે.
જેથી ત્યાં રેઇડ કરતા સફેદ પ્રવાહી બાયોડીઝલ આશરે 5500 લીટર કિ.રૂ.4,12,500/- , ટેન્કર-01, ટ્રેઇલર-05, બોલેરો પીકઅપ, ફયુલ પંપ 0ર, ઇલેકટ્રીક મોટર, તથા કાર-ર તથા મોબાઇલ ફોન નંગ-02 મળી કુલ કીમત રૂપિયા 1,01,26,000/- નો મુદામાલ સાથે સતનામસીંગ અજીતસીંગ વીક રહે નાતીઉંરા તા.પોવાયા જી.શાહજાપુર (યુ.પી.) વાળાને ઝડપી લેવામાં આવ્યો છે આઇ.પી.સી કલમ-278,284,285,114 મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
તો જે બે શખ્સો આ ગેરકાયદેસર ધંધો કરતા હતા યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા, રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા સહિત જે વાહનો મળી આવ્યા તેના ચાલકો મહિન્દ્રા બોલેરો ગાડી નં. જીજે-03-ઝેડ-6589 નો ચાલક,ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-14-જીજે-9173નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-52-જીએ-7851 નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-14-જીડી-8751 નો ચાલક, અશોક લેલન ટ્રેલર નં. આરજે-52- જીએ-4603નો ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં. આરજે-14-જીએફ-0770 નાં ચાલકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.