ચાર શખ્સોએ યુવાનને ઉઠાવી જઇ રૂ.17 લાખની માંગણી કરી ઢોર માર માર્યો
અબતક રાજકોટ
મોરબીના રવાપર ગામે રહેતા યુવાનને પઠાણી વ્યાજની ઉઘરાણી મામલે ચાર શખ્સોએ અપહરણ કરી ઢોર માર મારી યુવાનના ભાઈ પાસે વધુ રૂ.17 લાખ પડાવવાના ઇરાદે બોલાવી પઠાણી ઉઘરાણી કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના રવાપર ગામે રહેતા સુનિલભાઈ ધનજીભાઈ શેરસિયા નામના 37 વર્ષના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં માલદેવ આહીર, લાલા બોરીચા, પ્રકાશ નરભેરામ ભૂત અને પોપટ નામના ચાર શખ્સો સામે અપહરણ અને પઠાણી વ્યાજની ઉઘરાણી કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી સુનિલભાઈ શેરસિયાએ જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં પોતાની ગાડીના રીપેરીંગ માટે રૂ.1 લાખની જરૂર પડતા તેને પ્રકાશ પાસે માંગ કરી હતી. પ્રકાશે સુનિલભાઈને માલદેવ આહીર પાસેથી 30 ટકાના દરે રૂ.1,00,000 આપ્યા હતા. જેના દ્ર મહિને રૂ.30,000 હપ્તા ભારત હતા. પરંતુ પૈસા ન હોવાથી વ્યાજ ચડી જતા સુનિલે ચાર વર્ષમાં રૂ.10,00,000 ચૂકવી દીધા છતાં માલદેવ સહિતના શખ્સોએ વધુ રૂ.17,00,000 ની માંગણી કરી હતી.
જેમાં ફરિયાદી સુનિલે પૈસા ક્ષ હોવાનું જણાવતા ગઇ કાલે પોતે બગથળા ગામે પોતાની વાડીએ હતા ત્યારે મોરબી વાળા માલદેવ આહીર અને લાલા બોરીચા બંને કાળા કલરની વર્ના કાર લઈને આવ્યા બાદ સુનીલનું અપહરણ કરી ઉમિયા સર્કલ પાસે આવેલા ગાર્ડનમાં લઈ ગયા હતા. જ્યાં પ્રકાશ ભૂત અને પોપટ લોખંડનો પાઇપ અને ધોકા લઈને ફરિયાદી પર તૂટી પડ્યા હતા. ત્યાર બાદ આ ચારેય શખ્સોએ સુનિલભાઈના ભાઈ અમિતને ફોન કરી રૂ.17,00,000 લઈ આવી તેના ભાઈને છોડાવી જવાનું કહ્યું હતું. પરંતુ અમિત પાસે પણ પૈસા ન હોવાથી આ ચારેય શખ્સોએ સુનિલને માર મારી ઘરે ઉતારી દીધો હતો.
આ અંગે ઘટનાની જન થતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઇ સુનિલભાઈના ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે અપહરણ સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.