જૈન સમાજનાં ગૌરવ સમાન અને તપસ્વી રત્ના એવા લીંબડી અજરામર સંપ્રદાયનાં સાધ્વી ગીતાકુમારીજી આયાર્જીનો આજે સંયમ જીવનનાં પચાસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. માત્ર અજરામર, સ્થાનકવાસી સંપ્રદાય જ નહીં, પરંતુ સમગ્ર જૈન શાસનમાં ૧૪૬ અઠ્ઠાઈ કરનાર એક માત્ર સાધ્વી પ.પુ. ગીતાકુમારીજી આયાર્યીજી મોરબીથી વિહાર કરીને કચ્છ તરફ ચાતુમાર્સ અર્થે વિહાર કરી રહ્યાં છે અને તેમનું આગામી ચોમાસું માંડવી ખાતે છે.
મૂળ કચ્છનાં ભોરારામાં જન્મેલા ૭૦ વર્ષીય પ.પૂ. ગીતાકુમારીજી આર્યાજીનો કચ્છનાં ભોરારામાં માતુ રૂક્ષ્મણીબેન પોપટલાલ દૈઢિયાનાં કુખે થયો હતો અને આજથી પાંચ દાયકા પહેલા મુંબઈ-ઘાટકોપર ખાતે ૧૦મી મે અને વૈશાખ સુદ-૫નાં દિવસે પૂ.તપસ્વી ડુંગરસિંહજી સ્વામીનાં મુખે દિક્ષા લીધી હતી. અજરામર સંપ્રદાયનાં ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ ભાવચંદ્રજી સ્વામી અને પૂ.કર્મયોગી ગુરૂદેવ ભાસ્કરજી સ્વામીની કૃપાથી આજે માત્ર ગુજરાત જ નહીં પણ અનેક રાજ્યોમાં તેઓ શાસન પ્રભાવનાં વહેંચવાની સાથે તપ-જપ અને આત્મસાધના કરી રહ્યાં છે.
સાધ્વી ગીતાકુમારીજીએ ગુજરાતમાં તમામ ક્ષેત્રમાં વિહાર કર્યો છે, પરંતુ ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ-શિમલા, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યોમાં આશરે ૧૦ હજાર કિલોમીટરનો પગપાળા વિહાર કર્યો છે. સંયમ વર્ષ દરમિયાન કુલ ૧.૩૦ લાખ કિલોમીટરથી પણ વધુનો પગપાળા વિહાર કર્યો છે.તેમની પ્રેરણાથી ગુજરાત અને ગુજરાત બહાર અનેક ઊપાશ્રયો પણ નિર્માણ પામ્યાં છે. જૈન સાશન સમાજમાં ૧૪૬મી અઠ્ઠાઈ કરનાર તેઓ એક માત્ર સાધ્વીરત્ના છે અને બીજી નાની-મોટી અનેક તપસ્યાઓ કરી છે.