ઘરના જ ઘાતકી !!!
રોકડા અને ધરેણાનો થેલો સંબંધીને ભચાઉ બસ સ્ટેન્ડે આપ્યાની કબુલાત
મોરબીમાં બે દિવસ પહેલા તા.26 ના રોજ મોરબીના મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના મેનેજર પોતાના કર્મચારીઓ સાથે આવ્યા હતા અને પોતાનો 30 લાખ રોકડ અને 10 લાખના દાગીના ભરેલો થેલો કર્મચારીઓ બસમાં હતા ત્યારે ચોરાઈ ગયાની ઘટનાનો એલ.સી.બી.એ ભેદ ઉકેલી પેઢીના કર્મચારીની ધરપકડ કરી છે.
જેમાં મોરબી એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આ પૈસા અને દાગીના ભરેલો થેલો કચ્છથી લઈ આવનાર ઈસમો જ શંકાના દાયરામાં આવતા હોય જેથી આ બન્ને ઇસમો આનંદજી હમીરજી પરમાર(ઉ.વ.42 ધંધો નોકરી રહે.હાલ સોની બજાર રાજકોટ મુ.રહે. ચંદ્રમાનાં તા.જી.પાટણ)અને અજીતસિંહ નાથાજી પરમાર (ધંધો નોકરી રહે. સબોસન તા.જી.પાટણ)ની પોલીસે યુક્તિ પ્રયુક્તિ થી પુછ પરછ કરતા બન્ને શખ્સોએ અન્ય એક શખ્સ સિદ્ધરાજસિંહ સરતનજી પરમાર (રહે.કોસાગામ તા.જી.પાટણ )વાળા સાથે મળી આ કાવતરું રચ્યું હતું.
પોલીસને બાતમી મળી હતી કે થેલો ચોરાયાની જાહેરાત કરનાર કર્મચારીઓ જ આરોપી છે ભુજ – રાજકોટ રૂટની એસ.ટી.બસમાં મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢી રાજકોટના બે કર્મચારીઓ અલગ અલગ ચીજ વસ્તુના ત્રણ થેલા લઇને ભુજથી રાજકોટ આવતા હતા જેમાં એક થેલામાં રોકડા રૂ. 30,00,000/- તથા સોના-ચાંદીના દાગીના કિ.રૂ.10,00,000/- મળી કુલ રૂ. 40,00,000/- ની મતાનો થેલો હતો જે થેલો ચાલુ બસે કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયેલની જાહેરાત મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશન ખાતે તા.26/07/2022 નારોજ કરી હતી આ બાબતે એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એન.બી.ડાભી, એમ.એચ.ચુડાસમા સ્ટાફ દ્વારા અલગ અલગ દિશામાં હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે આરોપી તથા મુદામાલ બાબતે તપાસમાં હતાં તે દરમ્યાન સ્ટાફના સુરેશચંદ્ર હુંબલ, નિરવભાઇ મકવાણા, નંદલાલા વરમોરા, ભગીરથસિંહ ઝાલાને સંયુકત રીતે ખાનગી બાતમી મળી હતી કે, આ બનાવમાં ચોરી થયાની જાહેરાત કરતા આંગડીયા પેઢીના કર્મચારી પોતે જ સંડોવાયેલ હોય અને તેઓએ જ બનાવને અંજામ આપેલ છે .
જેથી એલસીબી દ્વારા મળેલ હકિકત આધારે મહેન્દ્ર પ્રવિણ આંગડીયા પેઢી રાજકોટના બન્ને કર્મચારીઓને અલગ અલગ રીતે યુકિત પ્રયુકિતથી પુછપછ કરતા બન્ને પુછપરછમાં ભાંગી પડયા હતા અને બન્ને કર્મચારીઓએ મળી આ થેલો ગાયબ કરવાનો પ્લાન કરેલ હોવાનું કબુલ્યું હતું અને તેમાં પોતાના સગા સિધ્ધરાજસિંહ સરતનજી પરમાર (રહે. કોસા તા.જી. પાટણ)વાળાને સામેલ કરી તેને આદિપુર બસ સ્ટેન્ડ ખાતે બોલાવી તે પણ આ ભુજ રાજકોટ રૂટની બસમાં બેસી ગયેલ અને ભચાઉની ટીકીટ લઇ આ બન્ને કર્મચારીઓએ રોકડ રૂપીયા તથા સોના-ચાંદીના પાર્સલ ભરેલ થેલો તેને આપી દેતા તે થેલો લઇને ભચાઉ બસ સ્ટેન્ડે ઉતરી ગયેલ હતો.
આમ, બન્ને કર્મચારીઓએ જ મળીને રૂ. 40,00,000/- ની કિંમતનો થેલો ગાયબ કરી દઇ મોરબી ખાતે બસ આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જઇ ચાલુ બસે થેલાની ચોરી થયેલની ખોટી જાહેરાત કરેલ હોય જે બનાવ ખોટો હોવાનું પુરવાર કરી હસ્તગત થયેલ બન્ને કર્મચારી તથા હસ્તગત કરવાના બાકી ઇસમ વિરૂધ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવાની તથા ખોટી જાહેરાત કરવા અંગેની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં હતી તેમજ થેલો લઈને ભચાઉ ઉતરી ગયેલ આરોપી સિદ્ધરાજસિંહ ને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા તથા પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરલો ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, અઇંઝઞ મોરબીના કર્મચારીઓ જોડાયા હતા.