અબતક, ઋષિ મહેતા, મોરબી
મોરબી આરોગ્ય તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગર્ભાએ વેકસીનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં કર્મચારીઓએ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધુ હતું અને આ અંગે મહિલાના પરિવારજનોએ આરોગ્ય તંત્રના સંબંધિત કર્મચારીનો સંપર્ક સાધતા કર્મચારીને જાણે કોઈ ના બાપની બીક ન હોય તેમ’ જેને રજુઆત કરવી હોય તેને કરી દો અમારે ઉપરથી ઓર્ડર હતો એટલે કર્યું છે’ તેમ કહીને હાથ ખંખેરી લીધા હતા.
વેકસીનેશન બાબતે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર ફરી એક વખત વિવાદમાં સપડાયું છે. મોરબી જિલ્લાના વેકસીન લીધા વગર જ સર્ટીફિકેટ ઇશ્યુ થયાના ભૂતકાળમાં પણ બનાવો બન્યા હતા, તેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીમાં રહેતા શીતલ પાંચિયા નામના મહિલા પ્રેગ્નેન્ટ હોવાથી તેને તબીબે વેકસીનનો બીજો ડોઝ હાલ પૂરતો ન લેવા માટે સલાહ આપી હતી. આ દરમિયાન આજે સવારે આરોગ્ય તંત્રના કર્મચારીઓનો કોલ આવ્યો અને વેકસીનનો ડોઝ લેવા સૂચના આપી હતી. પરંતુ મહિલાએ વેકસીન લેવા ન જતા આરોગ્ય તંત્રએ આંકડાનો ખેલ ખેલવા મહિલાનો બીજો ડોઝ કાગળ પર કમ્પ્લેટ કરી સર્ટી ઇશ્યુ કરી દીધી હતું.
આમ આડેધડ ઇશ્યુ થયેલા સર્ટી અંગે મહિલાના પતિએ આરોગ્ય તંત્રના કર્મચારીનો ટેલિફોનિક સંપર્ક કરતા કર્મચારીએ લાજવાને બદલે ગાજી ઉડાઉ જવાબ આપી અમારે ઉપરથી ઓર્ડર હોવાનું જણાવ્યું હતું. અને કર્મચારીને ભુલ સ્વીકારવાની બદલે ઉચ્ચ અધિકારીનો પણ ડર ન હોય તેમ જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરો મારા ટેલિફોન નંબર આપી દેજો હું વાત કરી લઈશ તેમ ઉડાઉ જવાબ આપતા તંત્રની વેકસીનેશન કામગીરી સામે લોકોમાં સો મણનો સવાલ ઉભો થયો છે.
આ તમામ વચ્ચે સગર્ભાના પતિ અને વેકસીનેશન કર્મચારી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થતા બેદરકાર કર્મચારી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી કડક પગલાં લેવાશે કે કેમ ? તે જોવું રહ્યું.