ગઈકાલે રાત્રીના ચાર શખસોએ સુંવાળા સંગાથમાં નગ્ન વિડીયો ઉતારી દોઢ લાખ માંગતા મામલો એલસીબી સુધી પહોંચ્યો
પંથકના લોકરક્ષકની સંડોવણી એલસીબી ટીમે ગુન્હો નોંધી ગુન્હામાં વપરાયેલ એસેન્ટ કાર કબ્જે લીધી
મોરબી જિલ્લામાં હનીટ્રેપની જાણે મોસમ ખીલી હોય તેમ એક પછી એક ચોકવનારી ઘટનાઓ બની રહી છે ત્યારે મોરબી તાલુકાના જીકિયારી ગામે કાકા – ભત્રીજા અને અન્ય એક વ્યક્તિને લલના સાથેનો સંગાથ મોંઘો પડી ગયો છે, ચાર શખ્સોએ ભોગ બનનાર ત્રણ વ્યક્તિના નગ્ન વિડીયો ઉતારી લઈ દોઢ લાખની માંગ કરી ઢોર માર મારતા ભોગબનનારે મોરબી એલસીબી ટીમના પીએસઆઈ આર.ટી.વ્યાસનો સમ્પર્ક કર્યો હતો.
જ્યાં યુવકે ડરતાં ડરતાં બનાવની સમગ્ર હકીકત જણાવી હતી જેમાં એલસીબી ના પીએસીઆઈ આર.ટી. વ્યાસને આ ઘટનાક્રમમાં હળવદના એક પોલીસ કર્મી એલઆરડીની સંડોવણી હોવાનું બહાર આવી હતી જેમાં બનાવ ની ગંભીરતાને ધ્યાને રાખી એલસીબી ટીમે મોડીરાત્રે તમામ ચાર આરોપીઓ વિરૃદ્ધ ગુન્હો દાખલ કરી ગુન્હામાં વપરાયેલ એસેન્ટ કાર કબ્જે કરી છે અને આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે તા. ૨૩ ના રોજ મોરબી તાલુકાના જીકિયારી ગામે શબાબના શોખીન મિત્ર જેવા કાકા – ભત્રીજા અને અન્ય એક મિત્રએ રૂપિયા બબ્બે હજાર પ્રતિ વ્યક્તિ દીઠ ચૂકવી યુવતી સાથે રંગરેલીયા મનાવી હતી પરંતું કરમની કઠણાઈ કે આ લલના કમ યુવતીએ ત્રણેયને લૂંટવા આગાઉ કારસો ઘડી કાઢ્યો હોય ક્ષણિક સંબંધ પૂરો થતાં જ પ્રિ – પ્લાન મુજબ ચાર હટાકટ્ટા શખસો જ્યા રંગરેલીયા મનાવવામાં આવી હતી તે વાડીમાં એસેન્ટ કારમાં આવી પહોંચ્યા હતા.
બીજી તરફ ક્ષણિક સુખ ભોગવનારા ત્રણેયની હાલત કફોડી બનતા હનીટ્રેપમાં શિકાર બરાબરનો ફસાયનું જણાતા ત્રણેયના કપડાં કઢાવી વિડીયો ઉતારી લઈ આમાં તો બળાત્કારનો કેસ થાય તેવી ધમકી આપી જીકિયારીના ત્રણેય શોખીન પાસેથી લાખ – લાખ આપવા પડે તેવી ધમકી આપી રકઝકના અંતે દોઢ લાખમાં સેટિંગ કરી ભોગ બનનારને મોબાઈલ નંબર આપી સવાર સુધીમાં પૈસા આપવા અલ્ટીમેટમ આપી વાડીની ઓરડીમાં બેફામ માર માર્યો હતો.
દરમિયામ આજે રવિવારે ભોગ બનનાર નાણાં ભેગા કરી ન શકતા ચંડાળ ચોકડીએ સાંજ સુધીમાં પૈસા ન મળે તો વિડીયો ફરતો કરી દેવા ધમકી આપતા સમગ્ર મામલો મોરબી એલસીબી સુધી પહોંચ્યો હતો અને એલસીબીના પીએસીઆઈ આર ટી વ્યાસે આ ગંભીર બનાવ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ એસેન્ટ કાર કબ્જે કરી લીધી છે અને આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
અત્યંત સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ આ ચકચારી હનીટ્રેપ કાંડમાં હળવદ પોલીસમાં ફરજ બજાવતા એલઆરડી એટલે કે લોકરક્ષક તરીકે ફરજબજાવતા દિવ્યરાજસિંહ ઝાલા ઉર્ફે કાનભા ઝાલાનું નામ બહાર આવ્યું છે અને અન્ય ત્રણ શખસો રણમલપુર પંથકના હોવાનું તેમજ સુવાળો સંગાથ આપનાર યુવતી ચરાડવા પંથકની હોવાનું અને આ અગાઉ પણ ક્ષણિક સુખના શોખીનોને આ ટોળકીએ ફસાવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
બીજી તરફ મોરબીના જીકિયારીના આ ચકચારી બનાવને લઈ હળવદ પંથકમાં તરેહ – તરેહની ચર્ચાઓ ઉઠી છે અને તોડબાજ ચંડાળ ચોકડીએ ગઈકાલે શરાબની મહેફિલ માંડતા આ ભાંડો ફૂટ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેમજ આ ટોળકી એ અગાઉ પણ આ રીતે પાંચ થી છ હનીટ્રેપને અંજામ આપ્યાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે પોલીસે અન્ય કોઈ સાથે આ લોકો સાથે આ રીતે ગુનો કર્યો હોય તો આગળ આવવા માટે અનુરોધ કર્યો છે સાથે જ તેનું નામ ગુપ્ત રખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.
જો કે મોરબી એ ડિવિઝનમાં પણ આ રીતની એક ત્રિપુટી સક્રિય છે જે દારૂની મહેફિલ માણતા નબીરાઓ કે પછી જ્યાં મલાઈ મળે ત્યાં પહોંચી જાય છે જો કે તેઓને પરચુરણ કામ માં રાખવામાં આવ્યા છે એમ છતાં પોતે ડી સ્ટાફ માં છે કહી તોડ કરે છે જે નવા લોકરક્ષક તરીકે જ ફરજ બજાવતા હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે ઉપરોક્ત બનાવમાં એસલીબી અને તાલુકા પોલીસે દૂધનું દૂધ અને પાણી નું પાણી કરવા કવાયત હાથ ધરી છે.