વહિવટી તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓની હાજરીમાં કરાઈ કામગીરી
ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ ની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. કલેક્ટર જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.
આગામી ૩જી નવેમ્બરે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા ઇવીએમ રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચના નિયમોનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ મોરબીના વિવિધ રાજકીય પક્ષોની હાજરીમાં વેર હાઉસમાંથી મોરબી પોલીટેક્નીક કોલેજ ખાતે સીસીટીવી થી આવરી લેવામાં આવેલ નિયત કરાયેલ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
૬૫ મોરબી વિધાનસભા બેઠક માટે ૪૧૨ મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે તદ્દનુસાર ૧૪૦ ટકા લેખે ૫૭૭ જેટલા બેલેટ યુનિટ અને ૫૭૭ કંટ્રોલ યુનિટ અને ૧૫૦ ટકા લેખે ૬૧૮ વીવીપેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે.