મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોની નામ નોંધણી અને પ્લેસમેન્ટની કામગીરી કરવામાં આવે છે. ઉમેદવારોની નામ- નોંધણીનીપ્રક્રિયા કોમ્પ્યુટર પર વિના મૂલ્યે કરવામાં આવી રહી છે. તેમજ તાલુકા મથકોએ સમયાંતરે નામ નોંધણી કેમ્પ યોજવામાં આવે છે. જેમાં સંબંધિત તાલુકાના ઉમેદવારો ઉપસ્થિત રહીને નામ – નોંધણી તથા રીન્યુઅલ અને લાયકાતમાં વધારો નોંધાવી શકે છે.
જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન જૂન ૨૦૧૯ સુધીમાં ૧૯૨૭ની નવી નામ – નોંધણી થયેલી છે અને ૬૯૬ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
જિલ્લામાં આવેલા ખાનગી એકમો યોગ્ય મેન-પાવર મેળવવામાં મુશ્કેલી અનુભવે છે, તો સામે ભણેલા અને સ્કીલ્ડ ઉમેદવારો યોગ્ય નોકરી શોધવામાં મુશ્કેલી અનુભવે છે.
રોજગાર વિનિમય કચેરી ઔદ્યોગિક ભરતી મેળાઓના આયોજન દ્વારા આ બંને વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવે છે. અને એક જ પ્લેટફોર્મ પર નોકરીદાતાઓ અનેઉમેદવારોને એકત્રીત કરીને પસંદગીની કાર્યવાહી કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન જૂન ૨૦૧૯ સુધીમાં જિલ્લામાં ૫ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે,અને આ ભરતી મેળા અંતર્ગત ૩૨૦૦ જેટલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે પત્રો પાઠવવામાં આવેલ છે અને ૨૬૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
રોજગાર વિનિમય કચેરી દ્વારા શાળા/ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાની જ શાળા /કોલેજના શિક્ષકો/ અધ્યાપકો દ્વારા વ્યવસાય માર્ગદર્શન મળી રહે તે માટેપસંદગીની શાળા/ કોલેજોમાં કેરિયર કોર્નર ચલાવવાની યોજના અમલમાં છે. જે અંતર્ગત હાલ જિલ્લામાં ૨૬ જેટલા કેરિયર કોર્નર કાર્યરત છે.
રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંછુ ઉમેદવારોને સ્વરોજગારી અંગે માહીતી અને માર્ગદર્શન મળી રહે તે માટે અમલીકરણ એજન્સીઓના સહયોગથી જિલ્લાનાવિવિધ સ્થળો જેવા કે તાલુકા મથકો, કે.વી.કે. સેન્ટરો, આઇ.ટી.આઇ. વગેરે સ્થળોએ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરોના આયોજન કરવામાં આવે છે. અને જિલ્લામાં ઉપલબ્ધ વિવિધલોન યોજનાઓ વિષે માહિતી/ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે, અને સ્વરોજગારી માટે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સંરક્ષણ દળોમાં ગુજરાતી યુવાનો જોડાવા માટે અભિમુખ બને અને પસંદગી મેળવી શકે તે માટે ૩૦ દિવસના, ૩૦ વિદ્યાર્થીઓ માટેના નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે, જેમા ઉમેદવારોને શારિરીક ક્ષમતાની તાલીમ ઉપરાંત લેખિત પરીક્ષા માટે જનરલ નોલેજ, અંગ્રેજી, ગણિત અને સાયન્સના વિષયોની પૂર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવે છે, ઉમેદવારોને રહેવા તથા જમવાનું રાજય સરકારની યોજના મુજબ વિનામુલ્યે પુરૂ પાડવામાં આવે છે અને તાલીમ મેળવતા ઉમેદવારોને પ્રતિ દિવસ રોજના રૂપિયા ૧૦૦/-ના દરે પ્રોત્સાહક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન આવો એક તાલીમ વર્ગ ચલાવવામાં આવ્યો હતો. જેમાં ૩૦ વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી છે. તેમ, જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.