૮ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે મેદાનમાં ઉતરેલા ૨૮ સરપંચો અને ૧૪૦ સભ્યોના ભાવિ ઇવીએમમાં કેદ
મોરબી : મોરબી જિલ્લામાં ૮ ગ્રામપંચાયતો માટે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ગ્રામ્ય મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક ૭૩.૨૫ ટકા જેટલું ધીંગુ મતદાન કરતા ચૂંટણી લડી રહેલા ૨૮ સરપંચો અને ૧૪૦ સભ્યોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે.
વિધાનસભા ચૂંટણી બાદ તુરત જ મોરબી જિલ્લામાં ફરીથી ચૂંટણી માહોલ જામ્યો હતો અને આજે ૮ ગ્રામપંચાયતો માટે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ભડિયાદ, ધૂળકોટ, ફાટસર, ઘુનડા, રાજપર, ઉટબેટ, બેલા અને જેતપર ગામની કુલ ૮ ગ્રામપંચાય તો માટે ૨૦ મતદાન મથકોમાં કુલ ૨૮ સરપંચ અને ૧૪૦ સભ્યો માટે આજે મતદાન યોજાયું હતું.
ન્યાયિક અને નિર્ભિક માહોલમાં સુચારૂ કામગીરી માટે કુલ ૧૦૦ ઇવીએમ ફાળવી ચૂંટણીતંત્ર દ્વારા ૧૨૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૪ પીએસઆઇ, ૨૨ પોલીસ કોન્સ્ટેબલ અને ૪૪ હોમગાર્ડ જવાનો દ્વારા સુરક્ષા મોરચો સાંભળવામાં આવ્યો હતો.
ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પણ મતદારોએ સવારથી ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું કુલ ૧૨૭૯૮ મતદારો પૈકી ૯૩૭૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યા હતો જેમાં ૪૯૮૮ પુરુષ અને ૪૩૮૭ સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આમ, આજે ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ૨૮ સરપંચો અને ૧૪૦ સભ્યોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે અને ગ્રામ્ય પ્રજાજનો ઉત્સુકતા પૂર્વક મતગણતરી દિવસનો ઇન્તજાર કરી રહ્યા છે.