બાળકો ડ્રોપઆઉટ ન કરે તેની જવાબદારી આચાર્યની: શાળામાં શિક્ષકોની આંતરીક બદલી પણ કરાશે
મોરબી જીલ્લામાં ધોરણ ૬ અને ૭માં વિદ્યાર્થીઓની ૨૦થી ઓછી સંખ્યા હોય તેવી શાળાઓ મર્જ કરવા આદેશ આપવામાં આવ્યો છે અને મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં મળીને ૬૧ શાળાઓના વર્ગો મર્જ કરવામાં આવશે તેવી માહિતી જીલ્લા શિક્ષણાધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે.
મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ કરેલ આદેશ મુજબ ધોરણ ૧ થી ૬ ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ ૦૬માં ૨૦ થી ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તે શાળાઓમાં ધોરણ ૦૬નો વર્ગ બંધ કરવાનો રહેશે અને જે શાળાઓમાં ધો. ૦૬ માં ૨૦ થી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય તે શાળાઓમાં ધોરણ ૦૭ અને ૮ના ક્રમિક વર્ગો શરુ કરવાના રહેશે તેમજ ધોરણ ૧ થી ૭ ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ ૬ અને ૭માં ૨૦થી ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવી શાળાઓના ધોરણ ૬-૭ના વર્ગો બંધ કરવાના રહેશે તેમજ ધોરણ ૬-૭માં ૨૦થી વધુ વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં ધો ૮ના ક્રમિક વર્ગ શરુ કરવાના રહેશે અને ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવા ધોરણ ૬ અને ૭ના વિદ્યાર્થીઓને નજીકની વધુ શિક્ષક મહેકમ, વિષય શિક્ષક વાળી, વધુ સુવિધા વાળી અને શૈક્ષણિક રીતે વિશાલ ફલક પર અભ્યાસ કરવાનો અવસર મળે તેવી શાળામાં સમાવેશ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને મોરબી જીલ્લાના પાંચ તાલુકાની મળીને કુલ ૬૧ શાળાઓના વર્ગો અને શાળાઓ મર્જ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
જે શાળા મર્જ કરવા અંગે જરૂરી સુચનો આપવામાં આવી છે. જેમાં ૧. શાળા મર્જ કરવાની કાર્યવાહીની અમલવારી આદેશ થયાના સત્વરે કરવાની રહેશે ૨. ધો ૬ કે ૭ના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિસ્થિતિ મુજબની શાળામાં, અન્ય શાળામાં નામાંકન કરાવવાની જવાબદારી સંબંધિત શાળાના આચાર્યની રહેશે ૩.કોઈપણ વિદ્યાર્થી ડ્રોપઆઉટના થાય તેની તકેદારી સંબંધિત શાળાના આચાર્યે રાખવાની રહેશે ૪. વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટશન જરૂરિયાત જણાય તો નિયત નમુના મુજબ સીઆરસી, બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત દરખાસ્ત કરાવવાની રહેશે.