બારે માસ સુમસામ રહેતી પદાધિકારીઓની કેબીનોમાં ટર્મ પુરી થવા આવતા ખુરશીઓ ઘટવા લાગી
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની ટર્મ પુરી થવાના આરે છે. ત્યારે અત્યારથી જ નવા પ્રમુખ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પ્રમુખ પદ માટે પ્રદેશ કક્ષા સુધી ભલામણોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ઉપરાંત સમિતિના ચેરમેનો પણ બદલવાના હોવાથી કચેરીમાં સભ્યોની ભીડ જોવા મળી રહી છે.
આગામી તા.૨૧ જુનના રોજ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જકાસણીયાની અઢી વર્ષની ટર્મ પુરી થવા જઈ રહી છે. ત્યારે સૌ કોઈની નજર હાલ પ્રમુખ પદ તરફ મંડરાયેલી જોવા મળી રહી છે. પ્રમુખ પદ માટે અત્યારથી જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પ્રદેશ કક્ષા સુધી પાર્ટીને પ્રમુખ માટેના નામની ભલામણો કરવામાં આવી રહી હોવાની વિગતો મળી છે
જિલ્લા પંચાયત પ્રમુખ સાથે વિવિધ સમિતિના ચેરમેનોની પણ અઢી વર્ષની ટર્મ પુરી થઈ રહી છે. બારે માસ ખાલી રહેતી જિલ્લા પંચાયત કચેરીમાં ચેરમેનોની ટર્મ પુરી થવા આવતા અચાનક સભ્યોની ભીડ જોવા મળી રહી છે. સભ્યોની ભીડ રહેતી હોવાના કારણે પંચાયત કચેરીમાં પદાધિકારીઓની કેબીનોમાં ખુરશી પણ ઘટી રહી છે.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતમાં કુલ ૨૪ સભ્યો છે. જેમાંથી ૨૨ કોંગ્રેસના અને ૨ ભાજપના સભ્યો છે. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ કોણ બનશે તે તરફ સૌ મીટ માંડીને બેઠા છે. આગામી દિવસોમાં ચૂંટણી અંગેનું જાહેર બહાર પાડવામાં આવશે. ત્યારે હાઈ કમાન્ડ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોને પસંદ કરશે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com