જિલ્લાની ૧૭૦ એકર જમીન બિનખેતી કરાઈ : ૧૧ રોડના કામોને મંજૂરી : અધિકારીઓ પર પ્રશ્નોનો મારો ચલાવતા સદસ્યો
મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ૪૯ બિનખેતીની ફાઈલો મંજુર કરીને ૧૭૦ એકર જમીન બિનખેતી કરાઈ હતી. આ ઉપરાંત જિલ્લાના ૧૧ રોડના કામોને મંજુર કરવામાં આવ્યા હતા. સાથે સદસ્યોએ અધિકારીઓ પર લોકપ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ખટાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઠી ગ્રામ પંચાયતનું બજેટ મંજુર થતું ન હોય સુપર સીડ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. માળીયાના મોટી બરાર ગામે જર્જરિત આયુર્વેદિક દવાખાનાનું ડીમોલીશન કરવાની મંજુરી અપાઈ હતી.
કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા તથા સદસ્યોએ ડીડીઓ સમક્ષ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ગ્રામપંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોની દરખાસ્તોને અધિકારીઓ ધ્યાને લેતા નથી, બાંધકામ સમિતિ અને રોડ ગ્રામપંચાયતના રોડ રસ્તાના કામો નબળા થાય છે, કોન્ટ્રાક્ટરો પર અધિકારીઓનો કોઈ અંકુશ ન હોય તેમ કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે, જિલ્લામાં માં વાત્સલ્ય અમૃતમ કાર્ડ કાઢવા લોકોને ધક્કા ખાવા પડે છે એવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સદસ્યોએ નવી જિલ્લા પંચાયતનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું હોવાનો મુદ્દો ઉપાડ્યો હતો. સાથે નવી જિલ્લા પંચાયતનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ઉપરાંત સદસ્યોએ જિલ્લામાં સિંચાઈ અધિકારી જ ન હોવાનું જણાવીને તાત્કાલિક સિંચાઈ અધિકારીની જગ્યા ભરવા માટે ડીડીઓને રજુઆત કરી હતી.