મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાએ મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ ની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા એલસીબી પીઆઈ વી. બી. જાડેજાને સુચના કરતા તેમનાં માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન સ્ટાફના પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજા ને ખાનગીરાહે કિકત મળેલ કે એક ટાવેરા કાર નં. જીજે-23-એ-8378 માં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરી કચ્છથી રાજકોટ બાજુ આવી રહી છે. જે બાતમી આધારે પોલીસ કંડલા-રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલ જુની આર.ટી.ઓ. કચેરી સામે કારની વોચમાં હતા.આ દરમ્યાન કાર આવતા પોલીસે કારને ઇશારો કરી રોકતા કારમાં આગળ, પાછળના નીચેના ભાગે ચોરખાના બનાવેલ હતા.
તેમજ દરવાજા ઉપર ફીટ કરેલ સ્પીકર માટેના પુઠ્ઠાઓ ખોલી દરવાજામાં રહેલ જગ્યામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાઇટ બ્લુ મેટ્રો લીકર વ્હીસ્કીની 750 એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ 95 (કિં.રૂ. 28,500/-) ઝડપાઇ હતી. પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ ફોન નંગ 1(કિં.રૂ.9000/-) તથા ટવેરા કાર(કિં.રૂ.1,50,000/-) મળી કુલ કિં.રૂ. 1,79,000/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓ વિરલ વિજયભાઇ દુધરેજીયા, કેતન કાંતિભાઇ તાવડીવાલા અને માનવ ભરતભાઇ રાઠોડની અટકાયત કરી હતી. જ્યારે માલ મોકલનાર મળી આવેલ ન હતો. પોલીસે ત્રણેય આરોપીઓ તથા મોકનાર વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.