અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને પોતાના વતન સન્માનજનક રીતે પહોંચાડવાની કામગીરીમાં મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો છે. માત્ર ૧૩ દિવસમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે મોરબી જિલ્લામાંથી અંદાજે ૧૮૫૦૦ જેટલા શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવાની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ એ જણાવ્યુ હતું.
મોરબી જિલ્લામાંથી ટ્રેન મારફતે મોકલાયેલા શ્રમિકો અંગે માહિતી આપતા અધિક કલેક્ટર કેતન પી. જોષીએ જણાવ્યું કે, તા. ૧૯મી મે મંગળવારની મધ્યરાત્રી સુધીમાં મોરબી જિલ્લામાંથી ૧૪ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવાઇ છે. જેમાં અંદાજે ૧૮૫૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવ્યા છે. ૧૪ ટ્રેન પૈકી ઉત્તર પ્રદેશ માટે ૪ ટ્રેન બિહારની ૦૧, ઓડિશાની ૦૪, મધ્યપ્રદેશની ૦૩, ઝારખંડની ૦૨, ટ્રેન દોડાવાઈ છે.
વધુમાંઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિન્ગ સહિતના તમામ જરૂરી નિયમોના પાલન સાથે વધુને વધુ ટ્રેનો દોડાવવાની કવાયત કરવામાં આવી છે. જેમા આગામી દિવસોમાં ઉતરપ્રદેશ માટે ૧૦, ઝારખંડ માટે ૦૬, બિહાર માટે ૦૨, ઓડીશા માટે ૦૨ આમ મોરબી જિલ્લાના તમામ શ્રમિકો માટે વધુ ૨૧ ટ્રેનની દરખાસ્ત કરવામાં આવેલ છે. જે તે રાજ્યની સંમતિ મળ્યે તુરંત જ સદરહુ શ્રમિકોને તેમના વતનમાં સન્માન જનક રીતે પરત પહોંચાડવામાં આવેશે.
૧૯ પરપ્રાંતીયોને એસટી બસ મારફત હરિદ્વાર રવાના કરાયા
મોરબીમાં ફસાયેલા હરિદ્વારના ૧૯ શ્રમિકોને આજે એસટી બસ મારફતે પોતાના વતન જવા રવાના કરવામાં આવ્યા હતા. આ બસમાં બે ડ્રાઇવરોને ફરજ સોંપવામાં આવી હતી. જેમાં રાજકોટથી પણ શ્રમિકોને બેસાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં બે ડ્રાઈવર એમ.આર. ડાંગર અને રાજેશ ચાવડાને ફરજ સોંપાઈ છે. આ બસમાં રાજકોટથી પણ હરિદ્વારના શ્રમિકોને લેવામાં આવ્યા હતા. એસટી તંત્રએ હજુ વધુ એક બસ હરિદ્વાર મોકલવાની તૈયારી હાથ ધરી છે.