જિલ્લા કલેકટર જી.ટી. પંડયાના અધ્યક્ષ સ્થાને કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોચી વળવાની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ
સંભવિત કોરોનાની પરિસ્થિતી અન્વયે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવેલી તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેકટર જી.ટી. પંડ્યાએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક કરી હતી.આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબીમાં હાલ કોરોનાનો કોઈ પણ કેસ નથી. પણ કોરોના સામે આપણી તૈયારીઓ સક્ષમ હોવી જોઈએ. વધુમાં તેમણે બેડ, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન સિલીન્ડર, દવાઓ વગેરે જેવી તમામ વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સંભવિત કોરોનાની પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ છે. વધુમાં તેમણે તમામ મોરબી વાસીઓને પૂરતી કાળજી અને તકેદારી રાખવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત ચેકઅપ કરાવવા અપીલ કરી હતી.
કોરોનાની સંભવિત ચોથી લહેર સામે કરેલી તૈયારીઓની માહિતી આપતા મોરબીના એપિડેમિક મેડિકલ ઓફિસર ડી.વી. બાવરવાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં 1300 જેટલા ઑક્સિજન બેડ સાથે કુલ 1750 બેડ ઉપલબ્ધ છે જે જરૂર પડ્યે કાર્યાન્વિત કરી શકાય તેમ છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી મેડિકલ કોલેજના ડીન ડો.નિરજ બિશ્વાસ, આર.એમ.ઓ. ડો.કે.આર. સરડવા તેમજ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.