મોરબી: રાજસ્થાનથી રફાળેશ્વર રમકડાં વેચવા આવેલ સાળી નદીમાં ન્હાવા પડી હતી અને પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી, જે માલૂમ પડતાં તેને બચાવવા બનેવીએ પણ ઝંપલાવ્યું હતું અને બન્ને પાણીમાં ગરક થઇ ગયા હતા. વાંકાનેર તાલુકાના ઢુવા નજીક પસાર થતી માટેલિયો નદીમાં નાહવા માટે પડેલા રાજસ્થાનના વતની સાળી અને બનેવીના પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી બનાવની જાણ થતા તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડે જઈ બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહાશિવરાત્રીએ રફાળેશ્વર મેળામાં વસ્તુઓ વેચવા રાજસ્થાનથી આવેલા લોકો વાંકાનેરના ઢુંવા પાછળ આવેલા સિમ વિસ્તારમાં મહા નદીમાં ન્હાવા પડયા હતા. આ વેળાએ માયાબેન રતનભાઈ વણઝારા ડુબતા હતા. તે દરમિયાન તેમના બનેવી મુરારીભાઈ કલ્યાણ વણઝારા ઉ.વ.24 તેમને બચાવવા જતા તેઓ પણ ડૂબ્યા હતા. આ બન્નેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલ: ઋષિ મહેતા