કરોડોની કિંમતની મગફળીઓ અને બારદાનો ભરેલા ગોડાઉનો સળગી ગયા કે સળગાવી નાખ્યા તે અંગે હજુ પણ રહસ્ય
સૌરાષ્ટ્રમાં મગફળીના અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે.. કરોડો રૂપિયાની મગફળી સળગી ગઈ છે કે સળગાવી દેવામાં આવી છે તેનું સત્ય હજુ સુધી બહાર આવ્યું નથી. તમામ કૌભાંડમાં ભીનું સંકેલી લેવાના પ્રયાસો થતા હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે મોરબીના કોંગી અગ્રણીઓએ આ મામલે તટસ્થ તપાસની માંગ ઉઠાવી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર અને કોંગી અગ્રણી કે.પી ભાગીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના તમામ ગામ , શહેરો અને હવે તો ખેતરે ખેતરે ગોડાઉનો ઊભા છે. પરંતુ ફક્ત નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવેલા ગોડાઉનો જ શા માટે સળગે છે તે એક મોટો પ્રશ્ન છે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને ભાડે આપેલા ગોડાઉનોમાં ક્યારેય આગ લાગવાનો બનાવ બન્યો નથી ચાલુ વર્ષના ચાર માસમાં રાજકોટ જિલ્લાના ત્રણ ગોડાઉનોમાં આગ લાગી હતી. જેમાં ગોંડલમા રૂ. ૩૨ કરોડની મગફળી , શાપરમાં રૂ.૪ કરોડની મગફળી અને માર્કેટ યાર્ડમાં રૂ.૨૨ કરોડના બારદાન મળી કુલ રૂ. ૬૦ કરોડની નુકસાની રાજકોટમાં થઈ છે.
આ પ્રકરણમાં આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તેનું સત્ય હજી બહાર આવ્યું નથી ઘટના અંગે જવાબદાર નેતાઓ છાશવારે નિવેદન કરી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે તેવું રટણ કરી પ્રજાને મૂર્ખ બનાવી તપાસના નામે ડીંડક ચલાવી ભીનું સંકેલી લે છે. આ અંગે તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે આકરા પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com