ઘરે એકલી મહિલાઓને પરેશાન કરવાના કિસ્સામાં પીએસઆઇ વિરુદ્ધ પોલીસે ફરિયાદ પણ લીધી ન હતી : અદાલતે ફરિયાદ લઈ એક વર્ષની સજા ફટકારી
મોરબી નામદાર કોર્ટે આજે એક સીમા ચિન્હ રૂપ ચુકાદો આપ્યો છે. જેમાં નામદાર અદાલતે આરોપી પીએસઆઇ અને તેના નિવૃત સરકારી કર્મચારી પિતા તેમજ બે મહિલાઓને એક વર્ષની સજા ફટકારી પીડિત પરિવારને ૨૦ હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ ન લઇ આરોપી પોલીસ કર્મચારીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કરી આ કેસમાં આકરી સજા ફટકારી હતી.આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ તત્કાલીન સમયે રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા અને હાલ ભુજમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા મહેશ હરખજી ટેટિયાની બહેન રિસામણે હોય તેથી પીએસઆઇ પરિવારના સભ્યોએ પોતાની બહેનના ચાંચાપર રહેતા સાસરિયાના ઘરે ગત તા. ૩-૯-૨૦૧૪ના રોજ જઈ આતંક મચાવ્યો હતો.
અને પોતાની બહેનની નણંદ અસ્મિતાબેન ભુદરભાઈ પટેલ અને તેની માતા અનસોયાબેનને માર માર્યો હતો. આ બનાવની જેતે સમયે પીએસઆઇ પરિવારના હુમલાનો ભોગ બનનાર અસ્મિતાબેન ભુદરભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવા ગયા હતા. પરંતુ પોલીસે આરોપીઓ પોલીસ પરિવાર હોવાથી માત્ર એનસીની નોંધ કરી હતી. જેથી ભોગ બનનાર ફરિયાદી અસ્મિતાબેને જિલ્લા પોલીસ વડા સમક્ષ પણ ફરિયાદ કરવા છતાં પોલીસે ફરિયાદ ન લેતા અંતે અસ્મિતાબેને પોતાના વકીલ નરેન્દ્રસિંહ જે. ઝાલા મારફત નામદાર મોરબી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા અરજ કરતા નામદાર અદાલતે આ કેસમાં આરોપી પીએસઆઇ મહેશ હરખજી ટેટિયા અને તેના પિતા હરખજી હરજીભાઈ ટેટિયા, ભગવતીબેન હરખજી ટેટિયા તથા ઊર્મિલા હરખજી ટેટિયા સહિતના સામે ફોજદારી કાર્યરિતિ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી આ કેસ ચલાવ્યો હતો જેમાં આજે પીએસઆઇ અને તેના નિવૃત સરકારી કર્મચારી પિતા તેમજ બે મહિલાઓને કસૂરવાર ઠેરવી એક વર્ષની સજા ફટકારી પીડિત પરિવારને ૨૦ હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,