1100ની વસતી ધરાવતા ગામમાં અન્ય 50 દર્દીઓ પણ બિમાર: ટેસ્ટીંગ વધારવા માગણી
મોરબી જિલ્લામાં કોરોના ભયાવહ અને બિહામણો બની રહ્યો હોવા છતાં જિલ્લા સમાહર્તાથી લઈ સાંસદ સહિતના મૌન છે ત્યારે ટંકારા તાલુકાના નાના એવા વિરવાવ ગામમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેવી સ્થિતિમાં 40 પોઝિટિવ કેસ બહાર આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ગામના મહિલા સરપંચના મતે હજુ પણ પચાસ લોકો માંદગીના બિછાને હોય તાત્કાલિક ટેસ્ટ વધારવા માંગ ઉઠવાઈ છે.
ટંકારા તાલુકામાં 1100ની જનસંખ્યા ધરાવતા નાના એવા વિરવાવ ગામમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિમાં ઘરે – ઘરે માંદગીના બિછાના પથરાયા છે, અને 40 લોકો કોરોના સંક્રમિત બનતા આજે ગ્રામજનો અને અગ્રણીઓ પણ ચોંકી ઉઠ્યા છે.વિરવાવ ગામના ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ આરોગ્યતંત્રને તાકીદે ટેસ્ટ સહિતની કામગીરી કરવા માંગ ઉઠાવી છે. તો બીજી તરફ અગિયારસોની વસ્તી ધરાવતા ગામમાં એક સો જેટલા કેસ હોવાનુ જણાવી મહિલા સરપંચે આરોગ્ય વિભાગની પોલ ખોલી નાખી છે.
દરમિયાન કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોતા ટંકારા પોલીસ દ્વારા આજે વિરવાવ ગામમાં માઈકથી જાહેરાત કરી લોકો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક પહેરીને જરૂરી હોય તો જ બહાર નીકળે માટે અનુરોધ કરી હાલમાં પેટ્રોલીંગ વધાર્યું હોવાનું જણાવ્યું હતું.