- સિવિલને રંગરોગાન કરી મોતનો મલાજો પણ ન જાળવ્યો હોય, ઠેર ઠેરથી વર્ષી રહ્યો હતો ફિટકાર
- વડાપ્રધાનના આગમન સમયે રાતોરાત રંગરોગાન કરવું અને દુર્ઘટના સમયે હોસ્પીટલની બેદરકારીના કારણે દૂધરેજીયા ઉપર પસ્તાળ પડ્યાની ચર્ચા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ એક પછી એક જવાબદાર સામે પગલાં ભરવાનું શરૂ થયું છે ત્યારે ગતરાત્રે ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયા બાદ આજે વડાપ્રધાનના આગમન સમયે રાતોરાત સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરવાનું કામ કરી ભારે ટીકાપાત્ર બન્યું હતું. ત્યારે મોરબી સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દુધરેજીયા પાસેથી સુપ્રિન્ટેન્ડેન્ટનો ચાર્જ આંચકી લઈ મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ બિશ્વાસને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી સુપ્રિન્ટેન્ડેન્ટ પદે ચીપકીને બેઠેલા ડો.દુધરેજીયાએ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ દર્દીઓની સારવારને પ્રાધાન્ય આપવાને બદલે વડાપ્રધાન મોરબી આવતા હોય રાતોરાત સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન કરવાની સાથે ગાદલા, પલંગ સહિતની સામગ્રી બહારથી મંગાવી હોસ્પિટલને રુડી રૂપાળી દેખાડવા પ્રયાસ કરતા આ બાબત ખુબ જ ટીકાપાત્ર બની હતી અને ચોતરફથી આક્રોશ ઉઠ્યો હતો.
બીજી તરફ આ મામલે વ્યાપક વિરોધ વંટોળ જોતા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે મોરબી સિવિલ સુપ્રિન્ટેન્ડ ડો. દુધરેજીયા પાસેથી ચાર્જ છીનવી મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ બિશ્વાસને સુપ્રિન્ટેન્ડનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.