મોરબીમાં આવેલ કેટલીક પેપરમિલો તથા સિરામિક એકમોનો કેમિકલયુક્ત કદડો રફાળેશ્વર નજીક સરકારી ખરાબાની જમીનમાં નિકાલ કરતા હોવાથી ચોમાસામાં અહીં અસહ્ય ગંદકી થતી હોવાની સાથે આ પ્રદુષિત પાણી મોરબીની જીવાદોરી મચ્છું-2 ડેમમાં ભળી જતું હોવાની ચોંકાવનારી ફરિયાદ કોંગ્રેસ અગ્રણી દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. જે મામલે હવે મોરબી સિરામિક મેન્યુ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત સપ્તાહમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતી મોરબી દ્વારા સિરામિક ઉધોગ પર કેમિકલયુક્ત કચરો મચ્છુ-2 માં નાખે છે તેવો આક્ષેપ થયો હતો અને જીલ્લા વહીવટીમાં ફરિયાદ થઇ હતી. પરંતુ મોરબી સિરામિક ઉધોગના પ્રોસેસમા જે જે ઘન કચરો નિકળે છે. તે ફરી વખત સીરામીક પ્રોસેસમા વપરાય જતો હોય છે. કારણ કે આ ઘન કચરો ફરીથી પ્રોસેસમા વપરાતો હોય પ્રોડક્શન કોસ્ટ નીચી આવતી હોય છે. માટે તે પણ કિંમતી છે અને સિરામિક માટે રો મટીરીયલ્સ છે.
તો આવો ઘન કચરો નદીમાં કે ક્યાય બહાર નાખવો કોઇ સીરામીક ઉધોગને પોસાય નહી. આ ઘન કચરો હાલમાં બજારમાં વેચાય છે અને ફરી વખત વાપરીને ટાઇલ્સ બનાવવમાં આવે છે. તો જે ફરિયાદ થઇ છે તે મચ્છુ 2 નો કેમિકલ યુક્ત કચરો અમારા સિરામિક ઉધોગનો નથી. સિરામિકના યુનિટો આવા કચરા ક્યાય નાખતા નથી. સબંધકર્તાને માલુમ થાય કે આ કચરો સિરામિક ઉધોગનો નથી અને તથ્ય વિહોણા આક્ષેપને સિરામિક ઉધોગ વખોડે છે. તેમ મોરબી સિરામિક મેન્યુ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.