કોરોના બાદ સિરામિક ટાઇલ્સ સેગમેન્ટમાં ચાઇનાના અર્થતંત્રને કમરતોડ ફટકો ફટકો પડયો છે તો બીજી તરફ વૈશ્વિક નંબર વન સિરામિક હબ બનવા તરફ જેટ ગતિએ આગળ વધી રહેલા મોરબી સિરામિક ક્લસ્ટર માટે કોરોના વાયરસે સોનાનો સૂરજ ઉગાડ્યો છે
અને તેથી જ ટૂંક સમયમાં મોરબી નજીક એક, બે નહિ પરંતુ 60 જેટલા આધુનિક પ્લાન્ટ્સ સ્થપાઈ રહ્યા છે અને હાલ પુરજોશમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
મોરબીમાં 5000 કરોડથી વધુના રોકાણ સાથે 60 સિરામિક યુનિટ સ્થપાશે
પ્રત્યેક કંપની રૂ. 50થી 100 કરોડના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ સાથે કરશે પ્રોડકશન: રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં થશે વધારો
ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સિરામિક ઉદ્યોગને સીધો ફાયદો
બેથી ત્રણ વર્ષ દરમિયાન મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે નોટબંધી અને જીએસટી બાદ તો લિકવિડીટી પ્રોબ્લેમ્સને કારણે ફક્ત 25 ટકા જેટલા ઉદ્યોગો જ પોતાની ક્ષમતા મુજબ પ્રોડકશન યુનિટ ચાલુ રાખી સિરામિક હબ મોરબીનું અસ્તિત્વ જાળવી રાખ્યું હતું, બીજી તરફ કોરોના મહામારી આવતા જ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોનું પલાયન શરૂ થતાં સિરામિક ક્લસ્ટરમાં રીતસરનો હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ લોકડાઉનને કારણે ઉદ્યોગોને શટ ડાઉન રાખવામાં આવતા મોટો ફટકો પડયો હતો.
આફતને અવસરમાં પલટાવી દેવાની તાસીર ધરાવતા મોરબીના ઉદ્યોગપતિઓએ હાર્યા થાક્યા વગર પ્રયાસો જારી રાખતા કોરોના મહામારી મોરબીના સિરામિક ક્લસ્ટર માટે રીતસર સોનાનો સૂરજ ઉગાડી લાવી છે અને હાલમાં મોરબી અને મોરબી આજુબાજુના વિસ્તારમાં આવેલા સિરામિક ઉદ્યોગ હાલમાં દિવસ- રાત ધમધમી રહ્યા છે.
સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ચાઈનિઝ પ્રોડક્ટના વૈશ્વિક બહિષ્કાર બાદ મોરબીની જીવીટી, પીજીવીટી અને સ્લેબ ટાઇલ્સની ઇન્ટરનેશનલ માર્કેટમાં જબરી ડિમાન્ડ નીકળી છે અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ ભરપૂર ડિમાન્ડ હોવાથી હાલ સ્થિતિ સારી છે.
મોરબી સિરામિક ક્લસ્ટર માટે સૌથી મહત્વની બાબત તો એ છે કે અત્યાર સુધી ચાઈનાએ વિશ્વનું 70 ટકા માર્કેટ હસ્તગત કર્યું હતું જેની સામે પ્રવર્તમાન સમયમાં હવે મોરબીની કંપનીઓએ સિરામિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ભારતનો ઝંડો ગાળી દીધો છે.
સિરામિક ઉદ્યોગમાં વૈશ્વિક ડિમાન્ડ જોતા મોરબી સિરામિક ક્લસ્ટરમાં 5000 કરોડના રોકાણ સાથે નવા 60 યુનિટ સ્થપાવા જઈ રહ્યા છે અને પ્રત્યેક યુનિટ 50 થી 100 કરોડના મૂડી રોકાણ સાથે ઇન્ટરનેશનલ માપદંડ મુજબ આધુનિક પ્લાન્ટ શરૂ કરવા તમામ તૈયારી પૂર્ણ કરી લેતા આવનાર દિવસોમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ નવી ઊંચાઈએ પહોંચશે.
રોજગારી અને વિદેશી હૂંડિયામણના વ્યાપમાં થશે વધારો
સિરામિક ઉદ્યોગ અંદાજીત એક લાખ લોકોને રોજગારી આપે છે.સિરામિક ઉદ્યોગ કાચો માલ પૂરો પાડનારા, મશિનના સાધનો પૂરા પાડનારા, ટ્રાન્સપોર્ટ કંપનીઓ, પાવર સેક્ટર, ગેસ ઈન્ડસ્ટ્રી અને અન્ય ઉદ્યોગોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. હજુ નવા ઉદ્યોગો સ્થપાતા રોજગારી આપવામાં અને ટર્ન ઓવરમાં અને વિદેશી હૂંડિયામણ કમાવી આપવામાં સિરામિક ઉદ્યોગ નંબરવન બનશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
હાલ સિરામિકના 700થી વધુ યુનિટ કાર્યરત, 45 હજાર કરોડથી વધુનું ટર્નઓવર
મોરબી સિરામિક ક્લસ્ટરમાં હાલના સમયમાં 700થી વધુ જુદી -જુદી કંપનીઓ ગ્લેઝડ, જીવીટી, પીજીવીટી, સ્લેબ ટાઇલ્સ અને અન્ય સેનેટરીવેર્સ પ્રોડક્ટ બનાવી રહી છે અને દેશ – વિદેશમાં ટાઇલ્સ, સેનેટરીવેર પ્રોડક્ટના વેચાણ થકી વાર્ષિક 45 હજાર કરોડના ટર્નઓવર સાથેના બિઝનેશ થકી કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયા હૂંડિયામણ કમાવી આપે છે.