મંદીના માહોલના કારણે સ્થાનિક બજારોમાં ઘટેલી માંગ અને એકસ્પોર્ટમાં પડી રહેલી મુશ્કેલીના કારણે સિરામિક ઉદ્યોગ ભીંસમાં: વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૨ હજાર કરોડથી ઘટીને રૂ.૩૦ હજાર કરોડે પહોંચી જવાની સંભાવના
વિશ્વભરમાં સિરામિક ઉદ્યોગમાં બીજા નંબરના સૌથી મોટા હબ ગણાતા મોરબીમાં આશરે ૯૦૦ જેટલા સિરામિકના કારખાનાઓ દિવસ-રાત ધમધમતા રહે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી વિવિધ કારણોસર આ સિરામિક કારખાનાઓનો ધમધમાટ મંદ પડ્યો છે. મંદીના કારણે સ્થાનિક ભારતીય બજારોમાં સિરામિક વસ્તુઓની ઘટેલી માંગ અને એકસ્પોર્ટમાં પડી રહેલી મુશ્કેલીઓના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મંદીના ઓછાયા છવાઈ જવા પામ્યા છે. જેથી, મોટાભાગના કારખાનેદારોએ પોતાની ઉત્પાદન ક્ષમતામાં ૩૦ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જેથી આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૪૨ હજાર કરોડ રૂપિયાએ પહોંચવાની સંભાવના હતી તે ઘટીને ૩૦ હજાર કરોડ રૂપિયાએ પહોંચી જશે તેવું ઉદ્યોગકારો માની રહ્યાં છે.
ભારતના સિરામિક્ના સૌથી મોટા ક્લસ્ટર મોરબીના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, ઉત્પાદકો કહે છે કે તેમની પાસે ઉત્પાદન ઓછુ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મંદ પડેલા રીઅલ એસ્ટેટ ક્ષેત્ર અને નબળા રિટેલ વેચાણને કારણે તેઓ સિરામિક ટાઇલ્સની માંગમાં ઘટાડો વા પામ્યો છે. વર્ષ ૨૦૧૯ મોરબીમાં ટાઇલ્સ ઉત્પાદકો માટે રોલરકોસ્ટર રાઇડ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ કોલસા-ગેસિફાયર પર ચાલતા એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ભૂતકાળમાં કોલસા ગેસિફાયર્સનો ઉપયોગ કરવા બદલ દંડમાં રૂ. ૪૦૦ કરોડ ફટકારવામાં આવ્યા પછી અને નેચરલ ગેસ પર કારખાના ફેરવવામાં આવ્યા બાદ આ ઉદ્યોગ હવે માંગમાં ઘટાડાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
સ્થાનિક માંગમાં ઘટાડો થવાથી સિરામિક ટાઇલ્સ ઉત્પાદકોને ઉત્પાદનમાં ૨૫-૩૦ ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી છે. મોરબીમાં ગેસ વપરાશમાં છેલ્લાં બે મહિનામાં ૨૭ ટકાનો ઘટાડો થયો છે, જેનું ઉત્પાદન ઓછું સૂચવે છે, એમ મોરબી સિરામિક્સ એસોસિએશન ટાઇલ્સ વિભાગના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું. સૂત્રો એમ પણ જણાવ્યું હતું કે, લગભગ ૪૦૦-૫૦૦ ટાઇલ્સ ઉત્પાદક એકમોએ ઉત્પાદન અટકાવી દીધુ છે. મોરબીમાં આશરે ૯૦૦ એકમો છે જે દિવાલ, ફ્લોર અને વિટ્રિફાઇડ ટાઇલ્સ બનાવે છે.
વિંટેલ સિરામિક્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન કે જી કુંડારીયા આ અંગે જણાવ્યું હતું કે, મોટાભાગના પ્લાન્ટ્સ ૭૦% પ્લાન્ટની ક્ષમતાથી કાર્યરત છે. સિરામિક્સમાં, જો કોઈ એકમનો માલિક તેના પ્લાન્ટને ઓછી ક્ષમતાથી ચલાવે છે, તો ઉત્પાદન ખર્ચ વધે છે, જે આખરે નફામાં ખોટરૂપ હોય છે. બજારના નિષ્ણાતોના મત મુજબ ઉદ્યોગનું ટર્નઓવર વાર્ષિક ૪૨,૦૦૦ કરોડથી ઘટીને રૂ. ૩૦,૦૦૦ કરોડ થવાની ધારણા છે. દેશમાં કઠણ આર્થિક વાતાવરણ હોવા છતાં, વિદેશી બજારની મજબૂત માંગને કારણે મોરબીમાં વર્ષોથી તેના વ્યવસાયમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો તો રહ્યો છે. એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે રહેલા કુંડારિયા વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં આ પહેલીવાર બન્યું છે. જ્યારે માંગ ઓછી થઈ છે. સાઉદી અરેબિયાએ તેની ટાઇલ્સ આયાત કાયદો સખત બનાવ્યો અને નોંધણી પ્રક્રિયા વધુ કડક બનાવ્યા છે. જેથી સિરામિક ટાઇલ્સની નિકાસ હવે છેલ્લા ૧૫ દિવસથી બંધ છે. જો કે, નિકાસ બજાર મોરબીના સિરામિક ઉદ્યોગને બફર પ્રદાન કરવાનું ચાલુ રાખે છે.
અગ્રણી ઉદ્યોગકારોના જણાવ્યાનુસાર યુએસ-ચીન વેપાર યુદ્ધ બાદ ભારતીય ટાઇલ્સ ઉત્પાદકોને ફાયદો થશે. દૂર પૂર્વના દેશોની માંગ પણ વધી રહી છે. એક ઉત્પાદકે જણાવ્યું હતું કે, નિકાસ વૃદ્ધિ દ્વારા સ્થાનિક માંગમાં થયેલા ઘટાડાની ભરપાઇ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા મોરબીમાં દરરોજ લગભગ ૫૦૦૦ ટ્રકો લોડ અને અનલોડ થતી હતી. તેમ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાત ડાંગર જણાવીને ઉમેર્યું હતું કે, કહે છે કે હવે આ સંખ્યા ઘટીને ૩,૫૦૦થી ૩૮૦૦ થઈ ગઈ છે. મોરબીમાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં ઘટાડો થવાથી સિરામિકના વાણિજ્ય પર આધારિત ટ્રાન્સપોર્ટરોને ભારે ફટકો પડ્યો છે.