લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીનો આઇપીઓ ૩૫.૪૬ ગણો છલકયો:રૂપિયા ૯૧૭ કરોડના ભરણાં સાથે એનએસઇમાં લિસ્ટિંગ
નોટબંધી,જીએસટી જેવા પડકારો વચ્ચે મોરબીની લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીએ ભારતીય શેરબજારમાં આઇપીઓ લાવી ત્રણ દિવસમાં અનેક વિક્રમ તોડી નાખ્યા છે. રૂ.૪૧ થી ૪૫ ના પ્રાઇસ બેન્ડ સાથે મેદાનમાં આવેલ મોરબીની સૌ પ્રથમ સીરામીક કંપની લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડને લોકોએ અદભુત પ્રતિસાદ આપી ઇશ્યુને એક, બે, પાંચ નહીં પરંતુ ૩૫.૪૬ ગણો છલકાવી દઈ ૯૧૭ કરોડનું ભરણું એકત્રિત કરી આપ્યું હતું.
મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ માંથી શેરમાર્કેટમાં એન્ટ્રી કરનાર પ્રથમ કંપની બનેલ લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીનો આઇપીઓ તારીખ ૯ ઓગષ્ટના રોજ ખુલ્યો હતો અને ૧૧ ઓગષ્ટે બંધ થયો હતો અને કુલ ત્રણ દિવસના સમયગાળામાં કંપનીનો આઇપીઓ ઉછળી ૩૫.૪૬ ગણો છલકી ૯૧૭ કરોડનું ભરણું એકત્રિત કરી બીએસઇ અને એનએસઇમાં રેકોર્ડ સર્જ્યો હતો.
હાલમાં જ રાઈસિંગ સ્ટાર એટ પાવર બ્રાંડનો ગ્લોબલ એવોર્ડ લંડન ખાતે મેળવનાર લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ સિરામિક પ્રોડક્ટનાં મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ અને માર્કેટિંગમાં ખ્યાતનામ અને પ્રતિષ્ઠત સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ૨૦થી વધુ દેશોમાં લેક્ષસ સિરામિક પ્રોડક્ટનું એક્ષપોર્ટ કરવામાં આવે છે. ત્યારે લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીના યુવા મેનેજીંગ ડાયરેક્ટર હિતેષભાઇ દેત્રોજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાંથી શેરમાર્કેટમાં એન્ટ્રી કરવાનું બહુમાન અમારી કંપનીને મળ્યું છે .કંપની પર વિશ્વાસ મુકવા બદલ રોકાણકારોનો આભાર વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે કંપની રોકાણકારોને શ્રેષ્ઠતમ વળતર આપવા પ્રયાસો કરશે. કંપની વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે હાલમાં કંપની ડબલ ચાર્જ વિટરીફાઇડ ટાઇલ્સ અને વોલ ટાઇલ્સનું શ્રેષ્ઠ ઉત્પાદન કરી ભારત જ નહીં બલ્કે વિદેશમાં પણ પોતાની પ્રોડક્ટ વેચાણ કરી રહી છે ગત નાણાકીય વર્ષમાં કંપનીનું ટર્નઓવર ૧૬૫ કરોડનું હતું જેમાં ૫૦ થી ૭૦ %નો વધારો થનાર હોવાનું ઉમેરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં કંપનીમાં ૨૦ હજાર સ્કવેરમીટર પ્રોડક્શન પર ડે થાય તેવી કેપિસિટી વાળું ફૂલી અટોમેટિક પ્રોડકશન સાથેનું યુનિટ કાર્યરત કર્યું છે અને ૨૦૧૮ સુધીમાં કંપની અનેક નવા લક્ષ્યાંકો હાંસલ કરશે.
દરમિયાન આગામી તારીખ ૨૧ ના રોજ ભારતીય શેરબજારમાં કંપનીનું લિસ્ટિંગ થનાર છે ત્યારે રોકાણકારોને ૧૫ ટકાથી વધુ વળતર મળે તેવી શકયતા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. જયારે મોરબીની સીરામીક કંપનીને શરમાર્કેટમાં આટલો જબરો પ્રતિસાદ મળતા મોરબી સીરામીક ઉદ્યોગ માટે પણ અચ્છે દિન ના સંજોગો ઉજળા બન્યા છે.