મોરબી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરતા સમયે ૧૪ આરોપી ભાગેડુ જાહેર કરાયા
સમગ્ર મોરબી જિલ્લામાં ચકચારી બનેલ કરોડો રૂપિયાના તળાવ કૌભાંડમાં મનપડે તેવો તોડ કરી લેનાર મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના ૧૪ આરોપીઓને આજે પોલીસે અદાલત સમક્ષ ભાગેડુ જાહેર કરતા સનસનાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાને હચમચાવનાર તળાવ કૌભાંડમાં આજે પોલીસે કોર્ટ સમક્ષ મુખ્ય કૌભાંડી નિવૃત ઈજનેર સહિતના ચાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી આ કૌભાંડમાં ભાજપના મોટા માથાઓને ભાગેડુ જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે જેમાં રામજીભાઈ કાનજીભાઈ પટેલ રહે: રાજકોટ ,ઘનશ્યામભાઈ ગોહિલ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રહે: માનસર , ધર્મેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કોગ્રેસ અને પૂર્વ સીચાઈ સમિતિ ના ચેરમેન રહે.ટીકર (રણ) ,પુનાભાઈ દેવાભાઈ રાઠોડ રહે રણમલપુર,અરવિંદભાઈ કોળી તાલુકા પંચાયત સદસ્ય ભાજપ રહે સુસવાવ તા.હળવદ ,મોહનભાઈ દાનાભાઈ રહે સાપકડા તા.હળવદ ,લવજીભાઈ ઉર્ફે ભગત મૂળજીભાઈ ચૌહાણ રહે સાપકડા તા.હળવદ , ભીખાભાઈ ચૌહાણ રહે સુંદરી ભવાની તા.હળવદ ,જેન્તીભાઈ લવજીભાઈ ચૌહાણ રહે સાપકડા તા.હળવદ ,જેન્તીભાઈ સવજીભાઈ પરમાર રહે સાપકડા તા.હળવદ , વશરામભાઈ પેથાભાઈ સોલંકી રહે કોયબા તા.હળવદ , ભરતભાઈ ગોવિંદભાઈ ચૌહાણ રહે સાપડા તા.હળવદ વાળા સહિત ચૈદ આરોપી ને ભાગેડુ જાહેર કર્યા છે.
જો કે મોરબી પોલીસ તળાવ કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ તપાસ ચલાવતી હોય અને મંડળીના ૪૫ જેટલા કૌભાંડીઓ ખુલ્લા ફરી રહ્યા હોય છતાં પકડતી ન હોય આજે કોર્ટમાં ભાગેડુ જાહેર કર્યા બાદ હવે પોલીસ કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. તળાવ કૌભાંડમાં ધારાસભ્ય સાબરીયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવા વિધાનસભા અધ્યક્ષની મંજૂરી મંગાઈ
ઇજનેર કાનાણી સહિત ચાર વિરુધ્ધ ચાર્જશીટ ફાઇલ
મોરબી જિલ્લાને હચમચાવી નાખનાર નાની સિંચાઈ યોજના હેઠળના તળાવ કૌભાંડમાં આજે પોલીસે મુખ્ય કૌભાંડી નિવૃત ઈજનેર કાનાણી સહિત ચાર વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે, જો કે જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા પોલીસે વિધાનસભા અધ્યક્ષની મંજૂરી માંગી હોય પોલીસ તેમના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી શકી નથી.
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાના કૌભાંડમાં પોલીસે મોરબી જીલ્લાના નિવૃત પૂર્વ કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ કનસ્લટન્શી રાજકોટના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ સવજીભાઈ રાઠોડ ઉ.૩૩ અને ગણપતભાઈ ઉર્ફે ગણેશભાઇ મોહનભાઇ રાઠોડ, રે.હળવદવાળા ધરપકડ કરી રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યા હતા જેમાં આજે ચારેય આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવ્યું છે.
બીજી તરફ હળવદ તળાવ કૌભાંડમાં લાંચ મામલે હાલ જેલમાં રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના સાગરીત ભરત ગણેશિયા પાસેથી નાણાંની રિકવરી બાકી હોવા ઉપરાંત પરસોતમ સાબરીયા સીટીંગ ધારાસભ્ય હોય પોલીસે તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવા વિધાનસભા અધ્યક્ષની મંજૂરી માંગી હોય જે હજુ મળી ન હોવાથી તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરાયું નથી.