વીડિયો વાયરલ થયો તે ધૂમ બાઈકનાં બેચાલકને પણ શોધી કાઢી પગલા લેવાયા: રાત્રે ખાસ ડ્રાઈવ યોજી બેફીકરાઈથી બાઈક ચલાવતા ઈસમો સામે પણ કાર્યવાહી કરાઈ
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી બેફામ બનેલા ધૂમ બાઈક ચાલકો સામે એસપી એસ.આર. ઓડેદરાએ લાલ આંખ કરી છે. સ્ટંટનો જે વીડીયો વાયરલ થયો હતો તે ધૂમ બાઈકનાં બે ચાલક ઉપરાંત બે ફામ રીતે બાઈક ચલાવતા અન્ય 22 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી નાં જાહેર માર્ગ પર બાઈક અને મોપેડ ધારક ગેંગ દ્વારા કોહરામ મચાવવામાં આવી રહ્યો હતો અને જાહેર માર્ગો પર નિકળતા લોકોને હાનિ પહોંચે એ રીતે સ્ટંટ કરી વિડિયો બનાવી જુદી જુદી એપ્લિકેશન મારફતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા આ વિડિયોના સમાચાર ગઈકાલે મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા હતા જેના પગલે મોરબી એસપી એસ. આર. ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા તે સમયે ચાલી રહેલ ક્રાઈમ કોન્ફરન્સમાં આ બાઈક ચાલકોની ભાળ મેળવવા સુચના આપી હતી જેના પગલે એ ડિવિઝન ઈન્ચાર્જ પીઆઇનાં,બી ડિવિઝન પી.આઈ. આઈ એમ કોંઢિયા, ટ્રાફિક ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસના આસિફભાઇ ચાણક્ય, કિશોરભાઈ મિયાત્રા સહિતની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.
જેમાં સ્ટંટબાજ વિડીયો બનાવનારા મોરબીના પંચાસર રોડ નજીક વિસ્તારમાં રહેતા ધનરાજ શાંતુભા મકવાણા અને અવેશ તૈયબભાઈ સામતાણી હોવાનું બહાર આવ્યુ હતું જે બાદ મોરબી એ ડિવિઝન સ્ટાફ ધનરાજ શાંતુભા મકવાણા અને અવેશ તૈયબભાઈ સામતાણીની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ આઈપીસીની કલમ 177,184 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી કડક કાર્યવાહી કરી હતી આ સિવાય અન્ય બેફિકરાઈ પૂર્વક અને લોકોને હાનિ પહોંચે એ રીતે જોખમ રૂપે ચલાવતા પંદર જેટલા બાઈકચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શાન ઠેકાણે લાવી હતી. આ ઉપરાંત એસપીની સુચનાથી બી ડીવીઝને ગત રાત્રે ડ્રાઈવ પણ યોજી હતી. આ ડ્રાઈવમાં 5 જેટલા બાઈક ડીટેઈન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
એસપી દ્વારા મો.નં. જાહેર: બેફામ બાઈક હંકારનાર વિશે માહિતી આપવા કર્યો અનુરોધ
જિલ્લા પોલીસ વડાએ બેફામ બાઈક હંકારનાર ઈસમો સામે આકરા પગલા લેવાની તજવીજ હાથ ધરી છે. જો કોઈના ધ્યાનમાં બેફામ રીતે બાઈક ચલાવતા ઈસમો આવે તો તુરંત જિલ્લા કંટ્રોલ રૂમ નં. 02822-243480 અને મો.નં. 7433985943 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.