હળવદની મોરબી ચોકડીએ ખાનગી કારમાં બેઠેલા પોલીસ જવાનોની ટિમે કાર ઉપરથી લૂંટારૂઓને ઓળખી લીધા, લૂંટારૂઓ પોલીસને જોઈને યુ ટર્ન લગાવીને ભાગ્યા: ચુપણી ગામે કાર પડતી મૂકીને લૂંટારૂઓ વાડીમાં વાવેલી મકાઈમાં છુપાયા’તા
મોરબીના બેંક લૂંટવાના ચકચારી પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી છે. માત્ર ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈને કાનૂનના હાથ હકીકતમાં લાંબા હોવાનો એક દાખલો બેસાડ્યો છે. આ કામગીરીમાં હળવદ પોલીસનો મહત્વનો રોલ રહ્યો છે. પોલીસ જવાનોએ ૧૦૦ કિમિ સુધી ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીઓને દબોચી લીધા છે. પોલીસના આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આજે બપોરના અરસામાં છ જેટલા લૂંટારુઓએ બંદૂકની અણીએ બેંકમાંથી રૂ. ૬ લાખની લૂંટ ચલાવી હતી. સાથોસાથ બેંકના કેટલાક ગ્રાહકોના પર્સ તેમજ મોબાઈલ પણ લૂંટી લીધા હતા. જો કે આ ઘટનાની જાણ થતા વેંત જ પોલીસ અધિકારીઓએ બનાવ સ્થળે દોડી આવીને કંટ્રોલ રૂમને જાણ કરી સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી હતી. આ બનાવને પગલે સમગ્ર જિલ્લાની પોલીસ હરકતમાં આવી ગઈ હતી. લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં ભાગ્યા છે. તેવી હિન્ટ સમગ્ર જિલ્લાના પોલીસને મળી હતી. જેના પગલે હળવદ પોલીસના જવાનો અરવિંદભાઈ ઝાપડીયા, અરજણભાઈ ભરવાડ, ભરતભાઇ આલ, વિક્રમભાઈ સિહોરા સહિતના ખાનગી ગાડીમાં પેટ્રોલીંગ પર નીકળ્યા હતા. તેઓ હળવદમાં મોરબી ચોકડી પાસે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર જોતા જ સતર્ક બની ગયા હતા. સામે લૂંટારૂઓએ પણ પોલીસના ડ્રેસમાં જવાનોને જોઈને કારને યુ ટર્ન લગાવ્યો હતો.
બાદમાં ફિલ્મી ઢબે પોલીસ જવાનોએ લૂંટારૂની કારનો પીછો કર્યો હતો. લૂંટારૂઓ હરીદર્શન હોટેલ પાસેથી કેનાલવાળા રસ્તે થઈને નેરૂપર ગામ, ત્યાંથી ગોલાસણ, સરા, સુંદરીભવાની અને ત્યાંથી ચુપણી ગામે પહોંચ્યા હતા. જ્યા તેઓએ ચુપણી અને રામપરાની વિડમાં પહોંચીને સ્વીફ્ટ કારને રેઢી મૂકી દીધી હતી.અને નાજાભાઈ નામના માલધારીની વાડીમા વાવેલી મકાઈમાં સંતાઈ ગયા હતા. બાદમાં પોલીસે પણ ત્યાં પહોંચીને ચારેય લૂંટારૂઓને દબોચી લીધા હતા. જો કે આ કામગીરીમાં સ્થાનિકોએ પણ પોલીસને ભરપૂર સહયોગ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બેંક લૂંટમાં ઝડપાયેલા શખ્સો પંજાબી હોવાનું ખૂલ્યું
મોરબીમાં મહેન્દ્રનગરમાં આવેલી બેંક ઓફ બરોડામાં ગઈકાલે ધોળાદિવસે કેટલાક શખસો ત્રાટકી બેંકમા પિસ્તોલ બતાવી રૂા. ૭.૪૪ લાખની મતાની લૂંટ કરી નાસી ગયાના બનાવના પગલ પોલીસે લૂંટારૂઓનો ફિલ્મી ઢબે પીછો કરી હળવદ પાદે આવેલી વાડીમાં છુપાયેલા છ જેટલા લૂંટારૂઓને ઝડપીલીધા હતા. ઝડપાયેલા શખસોમાં પોલીસે નામઠામ પૂછતા પંજાબના મુડાપીંડ ગામનો મનદીપસીંગ પાલસીંગ જાટ, અમૃતસરના સાગરા ગામનો બલવીરસીંગ ઉર્ફે ગોલી જોગીદર સીંગ જાટ, અમૃતસરનાં ગુરૂદાસનગરનો અરૂણકુમાર લાલચંદ્રમજલી, હોસીયારપૂરના રામપૂરનો સંદિપકુમાર ઉર્ફે રવી ગુરૂમેલસીંગ ગુજર હોવાનું બહાર આવ્યું હતુ જયારે નાસી ગયેલા બે અન્ય લૂંટારૂઓની પોલીસે શોધખોળ આદરી છે.
પરપ્રાંતીય લૂંટારૂઓએ સ્થાનિક શખ્સોની મદદથી બેંકમાં લૂંટનાં બનાવને આપ્યો અંજામ
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે સીયી પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં આવેલી બેંક ઓફ બરોડામાં ગઈકાલે ધોળા દિવસે સ્વીફટ કારમાં આવેલા છ જેટલા પરપ્રાંતીય શખ્સોએ સ્થાનિક શખસોની મદદથી લૂંટનાક બનાવને અંજામ આપ્યો હતો. બનાવની પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબીમાં જુના મહેન્દ્રનગર ગામમાં હનુમાનજી મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા અને બેંક ઓફ બરોડાની મહેન્દ્રનગર શાખામાં જોઈન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા મુરારીકુમાર ભુવનેશ્ર્વર શર્મા ઉ.૩૩ નામના યુવાને મોરબી બી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા પરપ્રાંતીય છ જેટલા શખસોએ ધાડ કરવાનું પૂર્વ આયોજીત કાવતરૂ રચી સફેદ કલરની સ્વિફટ ગાડીમાં આવી બેંકમાં પ્રવેશ કરી પીસ્ટોલ બતાવી બેંકમાં ભય ફેલાવી બેંકનાં કેશીયર રમેશભાઈ ચાવડા પાસેથી બેંકના રોકડા રૂપીયા ૪,૪૫૨૬૦ તથા અન્ય કેશીયર આમનાબેન બેલીમ પાસેથી બેંકના રૂપીયા ૧૫૭૮૪૦ તથા બેંકના સિકયુરીટી અનીલભાઈને પડખામાં પાટુમારી મુંઢમારમારી તેની પરવાના વાળી બારબોરની ગન કિંમત રૂા.૧૦ હજારની અને મોબાઈલ ફોન તથા અન્ય સબ સ્ટાફ સંજયભાઈ પાસેથી રોકડા રૂા.૬૫૦૦, એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, તથા ક્રેડીટ ઓફીસર પ્રજ્ઞેશભાઈનો મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૬૪૪૬૦૦ની લૂંટ કરી પરપ્રાંતીય સખસો સ્વીફટ ગાડીમાં નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે શહેર અને રાજયમાં નાકાબંધી કરાવી લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.