દબાણ દૂર નહિ થાય તો નિયમોનુસાર કાર્યવાહી કરી પાકા બાંધકામો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે
મોરબી તાલુકાના આંદરણા ગામે ગરીબોને રહેણાંક માટે ફાળવવામાં આવેલ ઘરથાળ હેતુ માટેના પ્લોટ ઉપર સિરામિક ફેકટરીના માલિકોએ લેબર ક્વાટર્સ નિર્માણ કરી નાખતા જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ સરપંચ દ્વારા સેલોજા સેનેટરીવેર કંપનીને સાત દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના અંદરણા ગામે નાયબ કલેકટર અને સબ ડીવીજનલ મેજી.શ્રી મોરબીના હુકમ મુજબ વર્ષ ૨૦૧૭ માં સર્વે નંબર 70પૈકી 2ની જમીન ઉપર નવું ગામતળ નીમ કરવામાં આવેલ અને તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા લે-આઉટ બનાવી 74પ્લોટો પાડી PMAYના 6(છ) લાભાર્થીઓ અનુક્રમે 1.જામરિયા ચંદુલાલ ડાયાભાઇ 2.ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ 3.ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈ 4.બાંભવા કાળુભાઈ વાસાભાઈ 5.પરમાર પ્રવિણભાઈ ભોજાભાઈ અને 6.બાંભવા ધનીબેન દાનાભાઈને તા.21/9/22ની તાલુકા પંચાયત મોરબીની લેન્ડ કમિટીમાં પ્લોટો મંજુર કરવા માટે વંચાણે લીધા. જે પૈકી બાંભવા ધનીબેન દાનાભાઈ વડીલોપાર્જિત પ્લોટ ધરાવતા હોવાથી તેઓનો પ્લોટ નામંજુર કરી બાકીના 5(પાંચ)ના પ્લોટ લેન્ડ કમિટીમાં મંજુર કરવામાં આવેલ હતું.
બાદમાં તા.18/10/2022 ના રોજ તમામ લાભાર્થીઓને સનદ આપવામાં આવેલ તથા તા.19/12/2022ના રોજ પ્લોટોના કબ્જા સોપેલ.ત્યારબાદ સ્થળ તપાસ કરાવતા જામરિયા ચંદુલાલ ડાયાભાઇ અને ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈને ફાળવેલ પ્લોટ નંબર અનુક્રમે 67 અને 68 માં સેલોજા સેનેટરી વેર દ્વારા લેબર ક્વાર્ટર બનાવી દબાણ થયાનું માલુમ પડેલ જે જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાના ધ્યાને આવતા તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપતા ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ તા.25/7/2023ના રોજ સરપંચ આંદરણા દ્વારા સેલોજા સેનેટરીવેરને તાત્કાલિક ધોરણે દિવસ-7માં દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવેલ છે.