માંગરોળની સગર્ભા રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર ચિંતિત
રાજયભરમાં સ્વાઇનફલુ કાળ બનીને ત્રાટકયુ હોય તેમ ગઇકાલે વધુ બે દર્દીઓના મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજયભરમાં કુલ ૬૧ જેટલા દર્દીઓના સ્વાઇન ફલુના કારણે મોત નિપજયા છે. જેમાં ગઇકાલે મોરબી અને ગીર સોમનાથ જીલ્લામાં ૧-૧ વ્યકિતનું સ્વાઇનફલુથી મોત નિપજયું હતું.
જયારે જુનાગઢના માંગરોળમાં વાડી વિસ્તારમાં રહેતી એક સગર્ભા યુવતિને તાવની સમસ્યા સાથે રાજકોટ ખસેડાઇ હતી જેના નમુના લેબોરેટીયમાં તપાસ માટે મોકલતા સ્વાઇનફલુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સગર્ભાના પોઝીટીવ રિપોર્ટ બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. સાથે રાજકોટના યુવાનનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
માંગરોળના ગોરાજ ગામના સીમ વિસ્તારમાં રહેતી ર૭ વર્ષની સગર્ભા યુવતિ જેના ગર્ભમાં એક સાથે બે બાળકો ઉછેરી રહ્યા હોય ત્યારે તેણીને તાવ આવતા અને શરદીની સમસ્યા સામે સારવાર કરાવી હતી. આમ છતાં ફરક ન પડતા રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા લક્ષણોને કારણે નમુનાની તપાસ કરાવતા રીપોર્ટ સ્વાઇનફલુ પોઝીટીવ આવતા જુનાગઢ અને રાજકોટ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. યુવતિને ગર્ભમાં બે બાળકો હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં હાલ યુવતિની હાલત સ્થિર હોવાની પ્રાથમીક વિગત મળી રહી છે.
જયારે બીજી તરફ રાજકોટ શહેરમાં એરપોર્ટ રોડ પાસે સખીયાનગર મેઇન રોડ પર રહેતા ૩૬ વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. રાજકોટમાં છેલ્લા બે દિવસના વિરામ બાદ સ્વાઇનફલુએ ફરી દેખા દેતા આરોગ્ય તંત્ર સફાળુ બેઠું થયું છે. રાજકોટમાં હાલ ૧૩ જેટલા દર્દીઓ સ્વાઇનફલુ હેઠળ સારવાર લઇ રહ્યા છે. જેમાં રાજકોટ શહેરના પ કેસ, ૩ ગ્રામ્ય વિસ્તાર જયારે જુનાગઢના ૪ અને પોરબંદરના ૧ દર્દીનો સમાવેશ થાય છે.
ગુજરાતભરમાં સ્વાઇન ફલુના ૧૮૬૭ જેટલા સ્વાઇનફલુના કેસ નોંધાયા છે. જેમાંથી ૧૬૭૪ જેટલા દર્દીઓની તબીયતમાં સુધારો આવતા રજા આપવામાં આવી છે તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે.
જયારે રાજયભરમાં ૬૧ જેટલા દર્દીઓના મોત નિપજયા છે. જેમાં અમદાવાદના ર૭ દર્દીઓનો સમાવેશ થાય છે. રાજયમાં હાલ કુલ ૧૩૨ જેટલા દર્દીઓ સ્વાઇનફલુ હેઠળ સારવાર લઇ રહ્યા છે. રાજયભરમાં રોજના કુલ ૮ જેટલા કેઇ નોંધાયી રહ્યા છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાવામાં આવી રહ્યા છે.