એટીએમ કાર્ડધારકોએ મહામહેનતે એકત્ર કરેલી રકમ ભેજાબાજો ઉપાડી ગયા : તપાસનો ધમધમાટ
મોરબીમાં એટીએમની ચીપની કોપીના આધારે ફ્રોડ થતું હોવાનું સામે આવ્યું છે. હાલ કુલ ૧૨ જેટલા એટીએમ કાર્ડ ધારકોએ તેમના બીજા શહેરોમાંથી આપમેળે પૈસા ઉપડી જતા હોવાની એસપી સમક્ષ ફરિયાદ કરી હતી. જેના પગલે પોલીસે આ ફ્રોડના મૂળમાં પોહચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને મોરબી રહેતા ખાતાધારકોના ખાતામાંથી દિલ્હી સહિતના શહેરોમાંથી નાણાં ઉપડયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ૧૨ એટીએમ કાર્ડ ધારકોના બેંક એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર અન્ય શહેરોમાંથી એટીએમ મારફત પૈસા ઉપડી જતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફ્રોડ એટીએમની ચીપની કોપીના આધારે થતું હોવાનું જાણવા મળ્યું છે. ભોગ બનનાર ૧૨ એટીએમ કાર્ડ ધારકોએ આ મામલે એસપીને ફરિયાદ કરી છે. જેના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
૧૨ એટીએમ કાર્ડ ધારકોની વિગત જોવા જઈએ તો વાસુદેવભાઈ ખેલશંકર વ્યાસ રહે. વાવડી રોડ, રવિપાર્ક-૨ના એસબીઆઇ એકાઉન્ટમાંથી તા. ૧૩ જૂનના રોજ દિલ્હીથી રૂ. ૨૦,૫૦૦ , ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ રહે. રામધન આશ્રમ પાસે, મહેન્દ્રનગરના એચડીએફસી એકાઉન્ટમાંથી તા. ૪ જુલાઈના રોજ રૂ. ૨૨,૮૦૦ , ધર્મેન્દ્રભાઈ રાઘવજીભાઈ કાંજીયા રહે. ચાચાપરના આરડીબી એકાઉન્ટમાંથી તા. ૩ જુલાઈના રોજ ચંદીગઢ ખાતેથી રૂ. ૯૯,૦૦૦ , અખિલેશકુમાર રહે. જેક્શન વિકટ્રીફાઇડના બેંક ઓફ બરોડા એકાઉન્ટમાંથી તા.૪ જુલાઈના રોજ રૂ. ૨૩,૫૦૦ જાણ બહાર ઉપાડવામાં આવ્યા છે.
ઉપરાંત હિતુલભાઈ બળદેવભાઈ પટેલ રહે. હરિ એપાર્ટમેન્ટના આઈસીઆઈસીઆઈ એકાઉન્ટમાથી તા. ૮ અને ૯ના રોજ અમદાવાદ ખાતેથી રૂ. ૫૦,૦૦૦, હિતેશભાઈ ભાઈલાલભાઈ પરમાર રહે. શોભેશ્વર રોડના એચડીએફસી એકાઉન્ટમાંથી તા. ૧જુલાઈના રોજ રૂ. ૧૦,૦૦૦ , નીતિનભાઈ જીનાભાઈ મકવાણા રહે. જવાહર સોસાયટી, ભડિયાદ રોડના એસબીઆઈ એકાઉન્ટમાંથી તા ૧૩ જૂનના રોજ રૂ.૪૭,૮૦૦, જયેશભાઇ દુર્લભજીભાઈ ઝાલરિયા રહે. લૂંટાવદરના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એકાઉન્ટમાંથી તા. ૯ ફેબ્રુઆરીનાં રોજ રૂ. ૫૦,૦૮૦ ઉપાડવામાં આવ્યા છે.
રાજેશભાઇ સવાભાઈ હૂંબલ રહે. જુના નાગડાવાસના એસબીઆઈ એકાઉન્ટમાંથી તા. ૨૫ જુનના રોજ રૂ. ૨૪,૫૦૦ , રેનીશકુમાર વલ્લભભાઈ લાડાણી રહે. એક્ષીસ એકાઉન્ટમાંથી તા. ૨૫ જુનના રોજ રૂ. ૪૦,૦૦૦ , અરવિંદભાઈ ધીરજભાઈ દલવાડીના એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ એકાઉન્ટમાંથી તા. ૮ જુલાઈના રોજ રૂ. ૬૨,૦૦૦ તેમજ ભાનુપ્રસાદ ઈશ્વરભાઈ પંડ્યા રહે. આરાધના ટાવર-૨, ૭૦૪, મુનનગર રોડના એસબીઆઈ એકાઉન્ટમાંથી તા. ૨૫ જુનના રોજ અમદાવાદ ખાતેથી રૂ. ૫૫૦૦૦ જાણ બહાર ઉપાડી લેવામાં આવ્યા છે. આમ ભેજાબાજોએ એટીએમ કાર્ડની ચીપની કોપી કોઈ રીતે મેળવીને કુલ ૧૨ એટીએમ કાર્ડ ધારકોના રૂ. ૫,૦૫,૧૮૦ પડાવી પાડ્યા છે.મોરબી એલસીબીએ આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.