માળીયા(મી)ના લક્ષ્મીવાસ ગામના ખેડૂત સાથે મૂળ રાજકોટનો રહેવાસી અને હાલ મોરબી મોબાઇલ શોપમાં નોકરી કરતા શખ્સે સસ્તામાં મોબાઇલ, ફ્લેટ, કાર તેમજ ખેડૂતને રાજકોટ ખાતે કપડાના શો રૂમમાં ભાગીદારી તથા ખેડૂતના દીકરાને એપલ કંપનીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી કુલ રૂ.78.61 લાખની ઠગાઈ કરી હતી. તદુપરાંત આર.બી.આઈ. અને ઈન્ક્મટેક્ષના બનાવટી લોગો વાળા દસ્તાવેજી પુરાવા બનાવી તેની પતાવટમાં પણ ખેડૂત પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી સમગ્ર ઠગાઈને અંજામ આપ્યો હતો.
ખેડૂતને સસ્તામાં મોબાઇલ, ફ્લેટ, કાર, પુત્રને એપલ કંપનીમાં નોકરીની લાલચ આપી ઠગાઈ આચરાય
ઉપરોક્ત ઠગાઈ કેસની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકાના લક્ષ્મીવાસ ગામના ખેડૂત મનસુખભાઇ છગનભાઇ કાવરે આરોપી હર્ષ દિનેશભાઇ દવે રહે. રાજકોટ, બેડીનાકા પાસે સોની બજાર કરશનજી મુલચનજીવાળી શેરી વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે લક્ષ્મીવાસ ગામે રહેતા ખેડૂત મનસુખભાઈની ખેતીની 16 વીઘા જમીન વેચાણ કર્યાની સારી આવેલ રકમમાંથી પોતાના દીકરા માટે નોકરી ધંધાનું અને મોરબીમાં ફ્લેટ લેવાનું આયોજન કરતા હોય તે દરમિયાન મનસુખભાઈની દીકરીના સંપર્કમા આરોપી મહાઠગ હર્ષ દવે આવેલ હતો
અને આરોપીએ પોતે મુંબઈ એપ કંપનીમાં જોબ કરતો હોય તે નોકરી છોડી દઈ હાલ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જય ટેલિકોમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરુ છું અને એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી મોબાઇલ ફોન ઉપર તેમજ વોટ્સઅપમાં મેસેજથી વાતચીત કરતા શરુ થયા હતા.
તે બાદ આરોપી હર્ષ દવે દ્વારા પોતાની માયાજાળ પાથરવાનું ચાલુ કરી આરોપી હર્ષ દિનેશભાઇ દવેની નિયતમા ખોટ હોય મીઠીમીઠી વાતો કરી ખેડૂત મનસુખભાઇ તથા તેમની દીકરી તથા દીકરાનો વિશ્વાસ કેળવી સસ્તા ભાવે આઇ.ફોન અપાવી દેવાના બહાને તથા ખેડૂતના દીકરાને એપલ કંપનીમા નોકરી અપાવી દેવાના બહાને તથા ખેડૂતને સસ્તા ભાવે મોરબી ધુનડા રોડ પર ફલોરા-11 એપાર્ટમેન્ટમાં સસ્તામા ફલેટ અપાવી દેવાની વાત કરી 48 લાખ રૂપિયા કટકે કટકે રોકડા, પોતાના બેંક ખાતા, આરટીજીએસ દ્વારા ઉપરોક્ત ફ્લેટની રકમના બહાને લઇ લીધા હતા.
ત્યારબાદ વધુ રૂપિયાની લાલચે ફરી આ મહાઠગે વધુ એક યોજના બનાવી હતી, જેમાં ફલેટની કિ.રૂ. 63 લાખ છે પણ તમારા તરફથી રૂ. 48 લાખ ટ્રાન્સફર થયેલ છે તેનો આર.બી.આઇ ખુલાશો પુછે છે તેવો કોઈ અન્ય વ્યક્તિ પાસે ફોન કરાવી તેની પતાવટ કરવી પડશે તેવુ બહાનુ કરી, તેમજ ફરિ. સાથે છેતરપીંડી કરવા અને નીકળે તેટલા વધારે રૂપિયા પડાવવાના આશયથી ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનુ ચીહ્ન કોમ્પ્યુટર પર એડીટીંગ કરી બનાવી ઇન્કમટેક્ષ વિભાગના સીક્કા વાળી ખોટી નોટીસ બનાવી, ખોટો દસ્તાવેજ બનાવી ફરિ.ને વોટસએપ મારફતે મોકલી તે નોટીસ ફાઇલ કરાવવી પડશે તેનો વહિવટ કરવો પડશે તેવુ બહાનુ કરી તેમજ આરોપીએ આર.બી.આઇ.ના સાહેબે મને પકડી લીધેલ છે તેની પતાવટના રૂપીયા આપવા પડશે તેવુ બ્હાનુ કરી તેમજ ક્રેટા કારના ગુગલ પરથી ફોટાઓ ડાઉનલોડ કરી તે ફોટા ફરિ.ને વોટસએપથી મોકલી આ કાર સસ્તામા અપાવી દેવાની લાલચ આપી તેમજ આરોપીએ પોતાની માતા બીમાર છે. એવા જુદાજુદા બ્હાના કરી, ખેડૂત પાસેથી કુલ રૂ. 78,61,000/- મેળવી લઇ પોતાના અંગત ફાયદા સારૂ આ રકમ વાપરી નાખી ઓળવી જઇ વિશ્વાસઘાત-છેતરપીંડી કર્યાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે સમગ્ર બનાવ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.