- ત્રણે પત્રકાર બંધુઓએ અંદાજે 600 જેટલા આઇકાર્ડ વહેચ્યા
- 8000 રૂપિયા સુધીની રકમ પણ વસૂલતા હોવાની હકીકત સામે આવી
- ત્રણે પત્રકાર બંધુઓની ધરપકડ કરવામાં આવી
- આઇકાર્ડના બદલામાં 3000થી લઈને 8000 રૂપિયા સુધીની રકમ વસૂલતા કરવામાં આવી
- આઇકાર્ડ ખરીદનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ
સામાન્ય રીતે પત્રકારોના વાહનોમાં પ્રેસ લખેલ જોવા મળતું હોય છે.ત્યારે મોરબીમાં પેટ્રોલ પંપ ધારક સાથે ખોટી રકજક કરી વિડિયો બનાવી 50 હજાર રૂપિયાની માંગણી કરતા તેમજ પ્રેસના આઇકાર્ડ વહેચનાર ત્રણ વ્યક્તિઓ સામે ગુનો પણ નોંધાવવામાં આવ્યો છે. અને ત્રણે પત્રકાર બંધુઓની ધરપકડ કરવામાં આવી છે.તેમજ આ ત્રણે પત્રકાર બંધુઓએ અંદાજે 600 જેટલા આઇકાર્ડ વહેચ્યા હોવાની કબૂલાત આપી છે. તેમજ આઇકાર્ડના બદલામાં 3000થી લઈને 8000 રૂપિયા સુધીની રકમ પણ વસૂલતા હોવાની હકીકત સામે આવી છે .અને સાથે જ આ લોકો પાસેથી આઇકાર્ડ ખરીદનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
આ સાથે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રણ વ્યક્તિ જયદેવ બુદ્ધભટ્ટી, મયુર બુદ્ધભટ્ટી અને રાધેશ બુદ્ધભટ્ટી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં આ ત્રણે વ્યક્તિઓ દ્વારા મોરબીમાં અનેક આઇકાર્ડ વહેંચવામાં આવ્યા છે એવી જ રીતે એક કાર્ડ ખરીદનાર પેટ્રોલપંપ ધારક વ્યક્તિ એ કાર્ડ રીન્યુ ન કરાવતા પેટ્રોલપંપ પર જઈને ડિજિટલ પેમેન્ટ બાબતે બોલાચાલી કરી વિડિયો બનાવેલ હતો અને બાદમાં અરજી કરવામાં આવી હતી અને આ અરજી અને વીડિઓ ડિલીટ કરવા માટે અને સમાધાન કરવા માટે ઉપરોક્ત વ્યકિતઓએ 50,000 રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ મળી હતી જે મામલે પોલીસે ગુનો નોંધી ત્રણે આરોપીની ધરપકડ કરી છે.
આ સાથે મોરબી ત્રાજપર ચોકડી પાસે નાયરા કંપનીનો પેટ્રોલ પંપ અંદર ફરિયાદી કૃષીત સુવાગીયાએ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ- 308(2), 352, અને 54 મુજબ પોતાની ફરીયાદ દાખલ કરાવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પોતાના નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર આવી આરોપી પત્રકાર જયદેવ બુધ્ધભટ્ટીએ ડીઝીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ ફોનમા વિડીયો બનાવી લીધો હતો. તેમજ આરોપી મયુર બુધ્ધભટ્ટીએ પેટ્રોલ પંપ ઉપર ફરિયાદીને ગાળોબોલી હતી બાદમાં આરોપી રાધેશ બુધ્ધભટ્ટીએ અગાઉ ફરિયાદી પાસેથી પોતાના મીડીયા ગૃપના આઇ કાર્ડ રીન્યુ કરવાના બહાને રૂપીયા 3,000 મેળવી લીધા હતા.
ત્યાર બાદ આરોપીએ પોલીસમાં કરેલ અરજી તથા મોબાઇલમાં બનાવેલ વિડીયો ડીલીટ કરવા માટે આરોપી રાધેશ બુધ્ધભટ્ટીએ ફરીયાદીના પિતા તથા પાર્ટનર પાસે રૂપીયા 50,000ની માંગણી કરી ગુન્હામાં કરેલ હોવાની ફરીયાદ દાખલ કરાવી હતી. જે બાબતે કુલ-3 આરોપીઓ રાધેશ બુધ્ધભટ્ટી, જયદેવ બુધ્ધભટ્ટી અને મયુર બુધ્ધભટ્ટીની અટકાયત કરવામાં આવી હતી અને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા આ ત્રણે આરોપીના બે દિવસના.રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોતે પત્રકાર હોવાનો દાવો કરી પબ્લીકમા પોતાનો પત્રકાર તરીકે એન કેન પ્રકારે ભય ઉભો કરી અન્ય વ્યક્તિ સાથે મળી આવા બની બેઠેલ પત્રકાર તરીકેના આઇ કાર્ડ વહેચણી કરી પૈસા પડાવ્યા હોય તેવુ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું.
જેમા આરોપીઓ પોતાનું વેબ પોર્ટલ ચલાવતા હોય ધ પ્રેસ ઓફ ઈન્ડીયા તેમજ દિવ્ય દ્રષ્ટિ જેવા વિવિધ નામના આઇ કાર્ડ ધારણ કરી ટોલટેક્ષ બચાવવા તથા વી.વી.આઇ.પી સુવીધા મેળવા તેમજ સર્કીટ હાઉસમાં સુવીધા મેળવવા ની લાલચો બતાવી તથા નાના ધંધાર્થી તથા વેપારીઓને પોતાનું કાર્ડ દેખાડી નાની મોટી લાલચ આપી વર્ષ 2013 થી પ્રેસના એક આઈ કાર્ડના રૂ 3000/- થી રૂ 8000/- મેળવતા હોય જેથી માતબર રકમના આઇ કાર્ડ વેચેલ હોવાનું સામે આવ્યું છે. હાલ તપાસ દરમ્યાન આ કામના આરોપીઓએ અગાઉ વેચલે આઇ.કાર્ડ જેમાના મોટા ભાગના આઇ.કાર્ડ તપાસ દરમ્યાન જે તે લોકો પાસેથી મેળવેલ છે અને તેમજ હજુ ઘણા બધા આઇ.કાર્ડ કબ્જે કરવાના બાકી જે અંગે હાલ આરોપી આરોપીઓને રીમાંડ પર રાખી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.