પાંચ વર્ષ પૂર્વે પાંચ વર્ષની માસુમને નરાધમે હવસનો શિકાર બનાવીતી : ભોગ બનનારને 4 લાખનું વળતર ચુકવવા હુકમ
મોરબીમાં વર્ષ 2020માં પાંચ વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતી સ્પે.પોક્સો કોર્ટ
દેશભરમાં અત્યારે માસુમ બાળા પર દુષ્કર્મની ઘટનાને લઈ રોષ ભભૂકી રહ્યો છે, ઠેર ઠેર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં ત્રણ વર્ષ પહેલા 5 વર્ષની બાળા પર થયેલ દુષ્કર્મ મામલે આજે સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબી દ્વારા નરાધમને 20 વર્ષની કેદની સજા અને 23 હજારનો દંડની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાતે રહેતા શ્રમિક પરિવારની એક પાંચ વર્ષની બાળા સાથે ગત 22/09/2020 ના રોજ દુષ્કર્મ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકી બનાવનાં દિવસે મંદિરે ચોકલેટની પ્રસાદી લેવા ગઈ હતી. ત્યારે મોડું થયું છતાં બાળકી પરત ન આવતા માતા તેને શોધવા ગયા હતા. ત્યારે આરોપી નરાધમ બાળકીને પકડી ઉભેલ જોવા મળ્યો હતો. જયારે તેણે બાળકીની માતાને જોઈ ત્યારે તે બાળકીને મૂકી સ્થળ પરથી નાશી ગયો હતો. ત્યારે બાળકીની માતાએ જોતા બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી નીકળતું હતું. જેને લઈ તેણે પોતાના ઘરે જઈ પોતાના પતિને બનાવ અંગે જાણ કરી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે ફરિયાદને આધારે આરોપીને પકડી પાડી કોર્ટમાં રજુ કર્યો હતો. જે મામલે હાલ ચુકાદો આવ્યો છે.
જેમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબી દ્વારા 12 મૌખિક પુરાવા અને 23 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને ધ્યાને રાખીને આરોપી રવિભાઈ પરમસુખભાઈ બધેલને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.23,000/-નો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગબનનારને વિક્ટીમ કમ્પેન્સેશન એક્ટ પ્રમાણે રૂ.4,00,000/-નું વળતર + રૂ.23,000 આરોપીનો દંડ મળી કુલ 4,23,000/- ચૂકવવા આદેશ કર્યો છે.