મધ્ય પ્રદેશમાં મંદાકિની નદીના કિનારે વસેલું ચિત્રકૂટ ભારતના સૌથી પ્રાચીન તીર્થસ્થાનો પૈકીનું એક છે. ચારેય બાજુથી વિંધ્યાચલ પર્વતમાળાઓ અને જંગલોથી ઘેરાયુલા ચિત્રકૂટને રહસ્યપૂર્ણ પર્વતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. વનવાસ કાળમાં સાડા અગિયાર વર્ષ સુધી ભગવાન રામ, માતા સીતા અને અનુજ લક્ષ્મણનું નિવાસ સ્થાન રહેલું ચિત્રકૂટ, માનવ હૃદયને શુદ્ધ કરવા અને પ્રકૃતિના આકર્ષણથી સાધકોને આકર્ષિત કરવામાં સક્ષમ છે, સાથે સાથે પોતાના આધ્યાત્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે.
આ સ્થળ પર ઋષિ અત્રિ અને સતી અનુસોયા એ ધ્યાન ધર્યું હતું. બહ્મા, વિષ્ણુ અને મહેશ એ ચિત્રકૂટમાં જ સતી અનુસોયાનાં ઘરે અંશ સ્વરૂપે અનુક્રમે ચન્દ્રમા, દત્તાત્રેય અને દુર્વાસાના રૂપમાં જન્મ લીધો હતો અને આ જ જિલ્લામાં રાજાપુર છે, જેને કેટલાંક લોકો તુલસીદાસજીનું જન્મ સ્થળ ગણાવે
છે. પ્રભુ રામની ચરણરજથી પવિત્ર આ સ્થળે મોરારીબાપુ દ્વારા કોરોનાના નિયમોનાં સંપૂર્ણ પાલનની સાથે શ્રોતા વગર યોજાનાર ૮૬૦મી રામ કથાનું સીધું પ્રસારણ આસ્થા ચેનલ પર કાલે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી અને ૩૦ મે થી ૬ જૂન, ૨૦૨૧, સવારે ૧૦:૦૦ થી ૧:૩૦ વાગ્યા સુધી દેખાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચિત્રકૂટધામમાં બાપુ એ પોતાની દાયકાઓની કથા યાત્રામાં અનેક વાર રામકથાનું રસપાન કરાવ્યું છે. આ ધરતી શ્રીરામની લીલા ભૂમિ, વિહાર ભૂમિ અને રામકથાની ભૂમિ છે.