રામાયણ સાથે જોડાયેલા શ્રીલંકાથી માત્ર 20 કિમી દૂર સેતુબંધ ધનુષકોડી ખાતે 853મી રામકથા
વર્તમાન સપ્તાહમાં ભાગવત ભૂમિ શુક્રતાલમાં કોરોના પ્રોટોકોલ અનુરૂપ આયોજિત પૂજ્ય મોરારી બાપુની રામકથાના સફળ સમાપન બાદ હવે વહીવટીતંત્રના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં આમંત્રિત શ્રોતાઓ સાથે ૮૫૩મી રામકથાનું આયોજન આગામી ૨ જાન્યુઆરી, ૨૦૨૧થી સેતુબંધ રામેશ્વર તીર્થ સ્થળ ધનુષકોડીમાં થશે.
ધનુષકોડી એક પ્રાચિન અને પ્રસિદ્ધ હિંદુ તીર્થ સ્થળ છે. તે તમિળ નાડુ રાજ્યના પૂર્વીય કિનારે રામેશ્વરના દક્ષિણ કિનારે અને પંબનની નજીક આવેલું છે. ત્યાંથી પાડોશી દેશ શ્રીલંકા માત્ર ૨૦ કિમી દૂર છે. તેનો ઇતિહાસ રામાયણ સાથે જોડાયેલો છે. એવું મનાય છે કે ભગવાન શ્રી રામે લંકા સુધી પહોંચવા માટે સેતુનું નિર્માણ અહીંથી જ શરૂ કર્યું હતું અને આજે પણ ભારે પત્થર સમુદ્રમાં તરે છે.
ધર્મ ગ્રંથો અને માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીરામ જ્યારે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને તથા સીતાની સાથે પરત ફર્યા ત્યારે નવનિયુક્ત લંકાપતિ વિભીષણે શ્રીરામને પ્રાર્થના કરી કે આપના દ્વારા નિર્મિત આ સેતુ જો બની રહેશે તો ભવિષ્યમાં આ માર્ગથી ભારતમાંથી કોઇ રાજા મારી લંકા ઉપર આક્રમણ કરશે. વિભીષણના અનુરોધથી શ્રીરામે ધનુષની કોટી સેતુને એક જગ્યાએથી તોડીને તે હિસ્સાને સમુદ્રમાં ડુબાડી દીધો. તેનાથી આ સ્થળનું નામ ધનુષકોટી-ધનુષકોડી થઇ ગયું. આ નવ દિવસની રામકથાને આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી દરરોજ સવારે ૯.૩૦થી જોઇ શકાશે. દરેક વ્યક્તિને અનુરોધ છે કે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી કોરોના માર્ગદર્શિકાને અનુસરતા આ કથાનો લાભ પોતાના ઘરેથી જ લેવા અને સ્થળની મુલાકાત ન લેવા વિનંતી કરવામાં આવી છે, જેથી દરેક વ્યક્તિ સુરક્ષિત રહે.