ચિત્રકૂટધામ આશ્રમ ખાતે મહામહિમ અને મહામાનવ વચ્ચે સુખદ મિલન: બપોરે ભાવનગરમાં 1088 આવાસોનું લોકાર્પણ

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઇકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે ભાવનગર ખાતે પહોંચી તલગાજરડાની મુલાકાત લીધી છે. મહુવા તાલુકાનાં તલગાજરડા ખાતે હેલીકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ચિત્રકૂટ ધામ ખાતે મોરારીબાપુને મળી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આશિર્વાદ પ્રાપ્ત કર્યા, આ ઉપરાંત પરિવાર સાથે હનુમાનજીના કર્યા દર્શનનો લ્હાવો લીધો હતો. આ સાથે તેઓએ પ્રખર રામયણી પૂ.મોરારી બાપુ સાથે ધર્મ સંવાદ કર્યો હતો.  બપોરે રાષ્ટ્રપતિના હસ્તે ભાવનગરમાં 1088 આવાસનું લોકાર્પણ કરવામાં આવશે.

આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, નગરપાલિકા નિયામક અજય દહીંયા અને પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુએ હેલીપેડ ખાતે તેમને હર્ષભેર આવકાર્યા હતાં. ગઇકાલે સવારે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગુજરાતમાં આગમન થયું હતું. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે તેઓએ સાંજે ગુજરાત હાઇકોર્ટ અને વિવિધ અદાલતના ન્યાયધીશો સાથે બેઠક યોજી હતી.

દરમિયાન આજે સવારે તેઓ રાજભવન ખાતેથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાંથી હેલીકોપ્ટર મારફત ભાવનગર હેલીપેટ ખાતે આગમન થયું હતું. જ્યાંથી તેઓ મહુવા તાલુકાના તલ ગાજરડા ખાતે પહોંચ્યા હતાં. તલ ગાજરડા સ્થિત પ્રખર રામયણી પૂ.મોરારી બાપુના ચિત્રકૂટ ધામ આશ્રમ ખાતે મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી. મહામહિમ અને મહા માનવ વચ્ચે સતત 45 મીનીટ સુધી ધર્મ સંવાદ ચાલ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભાવનગર મહાનગર પાલિકા દ્વારા 98 કરોડના ખર્ચ બનાવવામાં આવેલા 1088 આવાસોનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે બપોરે લોકાર્પણ કરવામાં આવશે. પ્રતિકારત્મકરૂપે પાંચ આસામીઓને આવાસની ચાવી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.