પ્રેમમાં નાસીપાસ યુવાને ઝાડ સાથે લટકાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ મથકમાં જ યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રેમિકા પિતાના ઘરે પરત જતી રહેતા યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો. ત્યારે પ્રેમ ન મળતા જિંદગીથી હારીને પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી લીધી હતી.
પ્રેમ સબંધમાં પ્રેમિકા પિતાના ઘેર પરત ફરી જતા યુવકને લાગી આવતા મોતને વહાલુ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઝાડ પર દોરડું બાંધી યુવક લટકી ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ મથકમાં જ યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટનામાં અમિતભાઇ બાવલિયા નામના યુવકે પોલીસ મથકમાં જ જિંદગી ટુંકાવી લીધી હોવાનું સામે આવતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો છે.
આ ઘટનાને લઈ પી.એસ.આઈ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ બાદ પોલીસ મથકે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આ ઘટનાની મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારજનો પણ તાકીદે પોલીસ મથકે દોડી આવ્યાં હતા. પોલીસ મથકમાં જ પરિવારજનોની રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગિની છવાઇ હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.