મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો
લખતરના વડલા ગામે રહેતી સગર્ભા પરિવાર સાથે મૂડી તાલુકાના કળમત ગામે ભાગીયુ રાખી ખેતી કામ કરતી હતી. જ્યાં બે દિવસ પહેલા કુદરતી હાજતે ગયા બાદ સગર્ભા બેભાન હાલતમાં ઢળી પડતા તેણીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મહિલાના મોતનું કારણ જાણવા મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ લખતર તાલુકાના વડલા ગામે રહેતા અને હાલ મૂડી તાલુકાના કડમત સુમિતાબેન શૈલેષભાઈ ધરજીયા નામની 26 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગઈ હતી. જ્યાં સગર્ભા બેશુદ્ધ હાલતમાં ઢળી પડતાં તેણીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે જાણ થતાં મૂડી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુમીતાબેન ધરજીયાને આઠ માસનો ગર્ભ હતો અને સુમિતાબેન ધરેજીયાના મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.