જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 144.38 ટકા વરસાદ: ગીર સોમનાથમાં 121.73 ટકા, રાજકોટ જિલ્લામાં 108.95 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 107.28 ટકા અને જામનગર જિલ્લામાં 105.74 ટકા વરસી ગયો
નૈઋત્યના ચોમાસાના સત્તાવાર આગમનને હજી એક મહિનો માંડ થયો છે ત્યાં મેઘરાજાએ એવી તો મહેર ઉતારી છે કે સૌરાષ્ટ્રમાં સિઝનનો 103 ટકા વરસાદ વરસી ગયો છે. હજી ચોમાસાની સિઝન પુરી થવાના આડે અઢી માસથી પણ વધુ સમય બાકી છે. આ વખતે લીલો દુષ્કાળ પડે તેવી દહેશત ઉભી થવા પામી છે. રાજ્યમાં છેલ્લા એક માસથી અવિરત વરસાદ વરસી ગયો છે.
ગુજરાતમાં આજ સુધીમાં સિઝનનો 96.97 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 129.98 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 59.82 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 59.82 ટકા, સૌરાષ્ટ્રમાં 102.96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.04 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 64.83 ટકા, રાજકોટ જિલ્લામાં 108.95 ટકા, મોરબી જિલ્લામાં 66.01 ટકા, જામનગર જિલ્લામાં 105.74 ટકા, દેવભૂમી દ્વારકા જિલ્લામાં 107.28 ટકા, પોરબંદર જિલ્લામાં 95.83 ટકા, જૂનાગઢ જિલ્લામાં સૌથી 144.38 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 121.73 ટકા, અમરેલી જિલ્લામાં 82.10 ટકા, ભાવનગર જિલ્લામાં 94.94 ટકા અને બોટાદ જિલ્લામાં 90.96 ટકા વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં હવે અતિવૃષ્ટિનો ખતરો તોળાય રહ્યો છે. ચોમાસાની સિઝનના આડે હજી અઢી માસનો સમય બાકી છે. સતત એક બાદ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. જો ભારે વરસાદ પડશે તો જળ પ્રલયનું જોખમ ઝળુંબી રહ્યું છે.