‘અમ્ફાન’ના લીધે મોડુ પડેલુ ચોમાસાની ભારત તરફની ગતિ ફરી ઝડપી બની
દર વર્ષે ૧લી જૂને આસપાસ કેરળથી ચોમાસુ દેશમા વિધિવત રીતે પ્રવેશતું હોય છે. ચાલુ વર્ષે પણ ચોમાસુ ૧લી જૂને કેરળમાંથી વરસાદ લાવવાની સંભાવના પણ હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ બંગાળની ખાડીમાં ઉદભવેલા અમ્ફાન વાવાઝોડાના કારણે ઉભા થયેલી સ્થિતિના કારણે ચોમાસુ પાંચ દિવસ મોડુ દેશમાં આવે તેવી સંભાવના છે. હવે ચોમાસુ ૧લી જુનના બદલે પાંચમી જુને કેરળમાં વરસાદ વરસાવે તેવી સંભાવના છે. ગુજરાતમાં ચોમાસુ જૂનના અંત ભાગમાં આવે તેવી આગાહી વ્યકત થઈ છે.
દક્ષિણ પશ્ર્ચિમના પવનો ભારત તરફ સતત આગળ વધી રહ્યા છે. એમ્ફાન ચક્રવાતના કારણે આ પવનોની ગતિ ધીમે પડી હતી. જેના કારણે દેશમાં વિધિવત રીતે ચોમાસું ૧૦ દિવસ મોડુ આવે તેવી શકયતા ઉભી થવા પામી હતી. ૧૦ દિવસ ચોમાસુ ખેંચાવાના કારણે ખેતી પર નિર્ભર જગતના તાત ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાય જવા પામ્યા હતા. જોકે હવામાન વિભાગે ગઈકાલે જાહેર કરેલી નવી આગાહીમાં દક્ષિણ પશ્ર્ચિમના પવનોની ગતિફરીથી ભારત તરફ ઝડપી બની છે. જેના કારણે પાંચમી જૂને કેરળમા વરસાદ વરસાવે તેવી આગાહી વ્યકત કરી છે.
કેરળમાં સામાન્ય રીતે દરવર્ષે ૧ લી જુને ચોમાસુ પ્રવેશતું હોય છે. જે ધીમે ધીમે આગળ વધતા જૂનના મધ્યમ સુધીમાં ભારતનાં મધ્ય રાજયોમાં જયારે જુલાઈ માસના પ્રારંભમાં ઉતર ભારતનાં રાજયોમાં વરસાદ વરસાવતા હોય છે. આ વર્ષે ચોમાસુ પાંચ દિવસ મોડુ કેરળમાં આવવાની આગાહીથી ગુજરાતમાં પણ ચોમાસુ થોડુ મોડુ આવે તેવી સંભાવના છે. પહેલા ગુજરાતમાં ૧૭મી જૂન આસપાસ ચોમાસુ આવવાની આગાહી હતી જેમાં હવે થોડો વિલંબ થવાની જૂનના અંત સુધીમાં ગુજરાત પર શ્રીકાર વરસાદ વરસાવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.