કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ચોમાસુ આગળ વધશે તેમજ સમગ્ર દેશમાં ચોમાસુ જામતુ જશે. કેરળના દક્ષિણ કિનારે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસરતળે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકાઓમાં અડધાથી લઈ 4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ ગઈકાલે સાંજે વાદળછાંયા વાતાવરણ વચ્ચે રોડ ભિંજવતા છાંટા પડ્યા હતા. જ્યારે અમદાવાદ, નવસારી, સુરત સહિતની વિસ્તારમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હજુ ત્રણ દિવસ ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 1 કલાકની અંદર સરેરાશ 1॥ ઈંચ જેટલો વરસાદ: ખેડા, નર્મદા, આણંદમાં 4 ઈંચ: નવસારી, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઈંચ તેમજ બોટાદ, અમરેલી અને લીંબડીમાં ॥ થી લઈ 1 ઈંચ સુધી વરસાદ
શુક્રવારે રાત્રે અમદાવાદ શહેરમાં પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. રાણીપ, સુભાષ બ્રીજ, બોળકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારમાં 1 કલાકની અંદર 1॥ ઈંચ વરસાદ વરસ્યો હતો તો બીજી બાજુ એસજી હાઈવે, ઘાટલોડીયા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસ્તા ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. બોપલ, વિવેકાનંદ, બાકરોલ અને સનાથન સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
હળવદ તાલુકાના દિઘડીયા, ભલગામડા સહિતના વિસ્તારોમાં બપોરબાદ વાદળછાંયુ વાતાવરણ છવાયું હતું અને દીઘડીયામાં કરા સાથે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત થતાં આનંદની લાગણી છવાઈ હતી. રાજકોટ, બોટાદ અને લીંબડી સહિતના વિસ્તારમાં સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ થતાં અમી છાંટણા પડતા ઠંડી પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહતનો શ્ર્વાસ લીધો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ખેડામાં 90 મીમી, નર્મદાના દેડીયાપાડામાં 85 મીમી, આણંદમાં 83 મીમી, નવસારીમાં 57 મીમી, સુરતના ઉમરપાડામાં 62 મીમી, માંગરોળમાં 58 મીમી, અમદાવાદના સાણંદમાં 54 મીમી, સુરતના મહુવામાં 50 મીમી, ખેડાના નડીયાદમાં 50 મીમી, ગાંધીનગરના કલોલમાં 56 મીમી, બરોડામાં 32 મીમી, અમદાવાદમાં 26 મીમી, બોટાદમાં 11 મીમી, અમરેલીના બાબરામાં 9 મીમી, અમદાવાદના દસક્રોઈમાં 8 મીમી, સુરેન્દ્રનગરના લખતરમાં 6 મીમી, ભાવનગરના વલભીપુરમાં 2 મીમી અને સુરેન્દ્રનગરના લીંબડીમાં 10 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ પડી શકે તેવી શકયતા છે અને પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસરતળે બે દિવસથી વરસાદ વરસે છે જેને લઈ ડાંગર, તુવેર અને બાજરીના તૈયાર પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.