સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામાં આજે કમોસમી વરસાદની આગાહી, 40 કી.મી.ની ઝડપે પવન ફુંકાશે: ગાજવીજની પણ સંભાવના
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જાણે ફાગણ ચૈત્ર માસમાં ચોમાનસુ બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના ર1 તાલુકાઓમાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં દોઢ ઇંચ વરસ્યો હતો. છેલ્લા નવ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને પારાવાર નુકશાની જવા પામી છે. માકેટીંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પણ પલળી જવા પામી છે. દરમિયાન આવતી કાલથી વાતાવરણ ચોખ્ખુ થઇ જશે અને શનિવારથી ગરમીનું જોર વધશે.
ગઇકાલે બુધવારે સૌરાષ્ટ્રભરમાં મેધાવી માહોલ છવાયો હતો. સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે બપોરે મેધાડંબર ઘવાયું હતું. સાંજ સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો. રાજકોટમાં તો જાણે ચોમાસું બેઠું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. માત્ર એક કલાકમાં શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી જતા રાજ માર્ગ પર પાણી પાણી થઇ ગયું હતું. અન્ડર બ્રિજમાં ગોઠણ ડુબ પાણી ભરાય ગયા હતા. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ર6 મીમી, ઇસ્ટ ઝોન વિસ્તારમાં 31 મીમી અને વેસ્ટ ઝોન વિસ્તારમાં 3પ મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.
આ ઉપરાંત કચ્છના અંજારમાં ર4 મીમી, અમરેલીના જાફરાબાદમાં રર મીમી, ભાવનગરના પાલિતાણામાં 18 મીમી, નખત્રાણામાં 13 મીમી, જુનાગઢમાં 1ર મીમી, અમરેલીમાં 10 મીમી, ગાંધીધામમાં 9 મીમી, ગારિયાધારમાં 9 મીમી, બાબરામાં 8 મીમી, જેતપુરમાં 7 મીમી, જામજોધપુરમાં 7 મીમી, ગોંડલમાં 7 મીમી, વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધોરાજી, ધારી, ખંભા, રાજુલા, ચોટીલા, ખંભાળીયા અને લાલપુરમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 40 કી.મી. ની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યકત કરાય છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઇ જશે અને ગરમીનું જોર ક્રમશ: વધશે આજે સવારથી સર્વત્ર ઉઘાડ જોવા મળી રહ્યો છે.
સતત નવ દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે ઘંઉ, ચણા, મેથી, ધાણા, કેરી, જીરુ સહીતના પાકને પારાવાર નુકશાની થવા પામી છે.
ઉપલેટા
ઉપલેટાના પાનેલી ગામે બપોર બાદ મુશળા ધાર વરસાદ વરસતા એકાદ ઇંચ કરતા વધુ પાણી પડી ગયું હતું. બજારોમાં પાણી વહેતા થયા હતા જયારે તાલુકાના ભાયાવદર ગઢાળા – મોજીરા, કેરાળા, અમરેલીયા, રબારીકા, ખારચીયા સહીત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકમાં જીરુ, અરેડા, ધાણા, લસણ સહિતના પાકમાં પારાવાર નુકશાન થયું છે. આ અંગે પાનેલી ગ્રામ પંચાયતના સભ્ય દિનેશભાઇ વેકરીયાએ જણાવેલ કે હાલ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડુતોને કરોડો રૂપિયા નુકશાની થવા પામેલ છે.
જુનાગઢ
જૂનાગઢમાં ગઈકાલે ઝંઝાવાતી પવન સાથે અડધો કલાકમાં પોણો ઈંચ વરસી પડ્યા હતા. જ્યારે ગિરનાર ઉપર દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હતો જેના કારણે શહેરમાં પાણી પાણી થઈ જવા પામ્યુ હતું અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગિરનાર ઉપરથી નાના ઝરણા શરૂ થઈ ગયા હતા અને ગિરનારના પગથિયા ઉપર હતી પાણી વહેતા થયા હતા. ગઈકાલે બપોરે 1 વાગ્યાના અરસામાં શહેરમાં છૂટા છવાયા છાંટા પડવાનું શરૂ થયું હતું. અને લગભગ 1:20 મિનિટે શહેરના મધુરમ, ટીંબાવાડી, ઝાંઝરડા રોડ, જોશીપુરા, ખામદ્રોલ રોડ, ખલિલપુર રોડ, દોલતપરા, મજેવડી દરવાજા, આઝાદ ચોક, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઝંઝાવવાથી પવન સાથે અડધો કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અને શહેરના નીચાણ વાળા માર્ગો ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે જૂનાગઢના ગિરનાર અને ભવનાથ વિસ્તારમાં પણ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અને લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ ગિરનાર પર્વત ઉપર પડતા ઝરણા વહેવા લાગ્યા હતા અને નદીઓમાં નવા નીર આવ્યા હતા અને ગિરનારના પગથિયા ઉપર પણ વરસાદી પાણી ચાલવા લાગ્યા હતા તે સાથે પાનખર અને ખાસ કરીને ઉનાળામાં સુકાઈ ગયેલા પાંદડાઓ અને વૃક્ષો વરસાદ થતાંની સાથે જ લીલાછમ જોવા મળી રહ્યા હતા.
કાલાવડ
કાલાવડ તાલુકાના નીકાવા. આણંદપર, વડાલા, પાતા મેઘપર સહિત તાલુકાના અનેક ગામોમાં પવન સાથે વરસાદ વરસાદ પડયો હતો. ઘંઉ, ચણા, મેથી, ધાણા જેવા પાકનો સત્યનાશ વળી ગયો હતો. પાક બગડતાથી અન્નદાતા ના મોઢામાં આવેલો કોળીયો છીનવાયો ગયો હતો.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર, થાનગઢ, ચોટીલા પંથકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણ પલ્ટાયું હતું. અને તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા. ચોટીલા અને થાનગઢમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો, સુરેન્દ્રનગર શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં વરસાદ શરૂ થયો હતો. ફ્લડ કંન્ટ્રોલરૂમનાં જણાવ્યા પ્રમાણે સાંજનાં 6 વાગ્યા સુધીમાં ચોટીલામાં 3 મી.મી અને સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં 6 મી.મી. વરસાદ પડયો હતો. સતત વરસી રહેલા માવઠાને કારણે ખેડુતોને નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે. અને વળતરની માંગ પણ ઉઠી છે, બીજીબાજુ ઉનાળા-ચોમાસા જેવી મિશ્રઋતુને કારણે શરદી, ઉધરસ, તાવ જેવા વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મૂડીમાં ગઈકાલે સાંજના વીજળી પડી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મકાન ઉપર વીજળી પડી હતી સામાન્ય રીતે નુકસાન પણ થયું હોવાનું જાણવા મળે છે
ઉપલેટામાં ગઢડા વિસ્તારમાં ઘંઉનો પાક વરસાદમાં ઢળી ગયો
ખેડૂતોને પારાવાર નુકશાની: સર્ચ કરી નુકશાનીની સહાય ચૂકવવા માંગ
ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેતરમાં પડેલા ઘંઉ. ચણા, જીરુ, ધાણાના પાકને પારાવાર નુકશાન થતા ખેડુતોએ વળતર આપવા માંગ ઉઠાવી છે. પાનેલી ગામે ગઇકાલે ભારે વરસાદ સાથે પવન ફુંકાતા પાનેલીના સ્મશાન પાછળ ગઢાળા તરીકે ઓળખાતી જમીન વિસ્તારમાં ખેડુતોએ વાવેલા ઘંઉના ઉભા પાક વરસાદને કારણે ઢળી પડતા ખેડુતોને લાખોનું નુકશાન થયેલ છે. ખેડુતોને તૈયાર પાકનો મોંમા આવેલો કોળીયો કમોસમી વરસાદે જુટવી લેતા ખેડુતો હતાસ થઇ ગયા હતા. આ વિસ્તારના ખેડુતો શૈલેશ ગોરધનભાઇ વેકરીયા અને વલ્લભભાઇ સીદાભાઇ ધાડીયા સહીતનાઓ નુકશાન થયેલ પાકનો સર્વ કરી તાત્કાલીક ધોરણે ખેડુતોને સહાય આપવા માંગણી કરેલ છે.