Abtak Media Google News
  • રાજકોટ ગ્રામ્ય, મોરબી, જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથમાં પાણી-પાણી: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર
  • મેંદરડા-સુત્રાપાડામાં પોણા બે ઇંચ, માંગરોળમાં એક ઇંચ અને વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ: ગીર સોમનાથ, જૂનાગઢમાં મગફળીની વાવણી શરૂ, લાપસીના આંધણ મુકાયા

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યા હતા તો કચ્છ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જામનગરના કાલાવડમાં તેમજ મોરબીના ટંકારામાં સૌથી વધુ ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉપરાંત ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઇંચથી વધુ અને જૂનાગઢમાં પણ ત્રણ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી ખેડૂતોએ વાવણી કાર્યના શ્રીગણેશ શરૂ કર્યા છે.

રાજ્યમાં ચોમાસુ હવે બરાબર જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સરર્ક્યુલેશનના પગલે રાજ્યમાં 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે પણ 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સાત, ઉત્તર ગુજરાતનો એક તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

મોરબી જિલ્લાના ટંકારામાં બપોર બાદ ત્રણ કલાકમાં જ સાડા ચાર ઇંચ જેવો ભારે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા તો રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. વાંકાનેરમાં સવા ઇંચ, હળવદ તથા મોરબી તાલુકામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે મહેર વરસાવી હતી. જેમાં જિલ્લાના કોડીનાર તાલુકામાં ચાર કલાકમાં ત્રણથી વધુ વરસાદ વરસતા ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત સુત્રાપાડા પોણા બે ઇંચથી વધુ, પાટણ-વેરાવળમાં સવા ઇંચ જ્યારે તાલાલા ગીર તાલુકામાં પોણો ઇંચ તેમજ અન્ય વિસ્તારોમાં અડધા ઇંચથી લઇ ઝાપટાં વરસ્યા હતા. વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર બાદ અનારાધાર વરસેલા વરસાદને પગલે સર્વત્ર પાણીની સ્થિતિ જોવા મળી હતી. સુત્રાપાડાના મોઢવા, શીંગસર સહિતના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. વેરાવળ તાલુકાના ભાલપરા, સોનારીયા, બાદલપરા, ભેટાળી સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ તાલાલા શહેર અને તાલુકાના બોરવાવ, ઘાવા, જેપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ શહેર તથા તાલુકામાં રાત સુધીમાં પોણા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડામાં પોણા બે ઇંચ, માંગરોળ તાલુકામાં દોઢ ઇંચ, વંથલી તથા કેશોદમાં પોણો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાજકોટ શહેર તથા જિલ્લામાં અસહ્ય બફારા વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં અસહ્ય બાફ વચ્ચે ઝાપટાં વરસ્યા હતા તો ગોંડલમાં ત્રણ ઇંચ જ્યારે જેતપુરમાં અને ધોરાજીમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં વરસાદ વચ્ચે લાલપુલ અને ઉમવાડા અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જિલ્લાના ધોરાજી તાલુકાના નાની મારડ ગામે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઇ ખેતરોમાં પાણી ભરાયા હતા. નદી-નાળા અને ચેકડેમમાં પણ નવા નીરની આવક થઇ હતી.

જામકંડોરણાના બરડીયાની નદીમાં ભેંસો તળાઇ

જામકંડોરણા પંથકમાં સાંબેલાધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું. જેમાં ભેંસોનું એક ધણ તણાતું જોવા મળ્યું હતું. જામ કંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં ચરેલ, બરડીયા, દળવી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બરડીયાની સ્થાનિક નદીમાં ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું અને બરડીયા ગામની નદીમાં ભેંસો તણાતી જોવા મળી હતી.

આજી-1 અને ન્યારી-2 ડેમ સહિત 15 જળાશયોમાં નવા નીરની આવક

ફોફળ-2 ડેમમાં 13.25 ફૂટ, સસોઈ-2 ડેમમાં  12.63 ફૂટ, ફોફળમાં 7.28 ફૂટ, ઉંડ-3માં 6.89 ફૂટ,  અને મોજ ડેમમાં  5 ફૂટ પાણી આવ્યું

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે  જળાશયોમાં નવા નીરની  આવક થવા પામી છે. જળ વૈભવ સતત વધી રહ્યો છે. આજી -1 અને ન્યારી 2 ડેમ સહિતના  15 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. હજી ચાર દિવસ રાજયમાં ભારે વરસાદની  આગાહી આપવામાં આવી છે. જળાશયોમાં નવાનીરની આવકથી જગતાતના હૈયા હરખાય ગયા છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે  પૂરા થતા છેલ્લા 24 કલાકમાં  15 જળાશયોમાં  નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના મોજ ડેમમાં  5.02 ફૂટ નવાનીરની આવક થવા પામી છે. 44 ફૂટે ઓવરફલો થતા મોજ ડેમની સપાટી 26 ફૂટે પહોચી જવા પામી છે. ફોફળ ડેમમાં  7.28 ફૂટ પાણીની  આવક થવા પામી છે. આજી 1 ડેમમાં  0.10 ફૂટ, ન્યારી-2 ડેમમાં  0.66 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ -2 ડેમમાં  0.49 ફૂટ, ઘોડાધ્રોઈ ડેમમાં  0.82 ફૂટ, બ્રાહ્મણી -2 ડેમમાં 0.66 ફૂટ પાણીની આવક થવા પામી છે.

જામનગર જિલ્લામાં બૂધવારે  સવિશેષ  મેઘકૃપા વરસી હતી. ફુલઝર-1 ડેમમાં  0.33 ફૂટ, ફોફળ-2 ડેમમાં  13.25 ફૂટ, ઉંડ 3 ડેમમાં 6.89 ફૂટ, વાડીસંગમાં 4.49 ફૂટ, ફુલઝર (કોબા)માં  4.10 ફૂટ, ઉમીયાસાગરમાં  0.98 ફૂટ, સસોઈ-2 ડેમમાં  12.63 ફૂટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-2 (વડોદ)માં  6.60 ફૂટ પાણીની આવક થવા પામી છે.

જૂન માસમાં મેઘરાજા  મન મૂકીને  વરસી રહ્યા હોવાના કારણે  જળાશયોનો જળ વૈભવ સતત વધી રહ્યો છે.

10 49

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.