દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા: ચિખલીમાં 7, ગણદેવી અને ધરમપુરમાં 6 ઈંચ વરસાદ, ખેરગામ, પારડીમાં 3 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં ચોમાસાની સિઝને જમાવટ કરી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 250 પૈકી 213 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવું લાગી રહ્યું છે. નવસારીના વાસંદામાં સુપડાધારે 16 ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હોવાના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે તંત્ર એલર્ટ થઇ ગયું છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી સતત વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 16 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. નવસારીના વાસંદામાં 16, વલસાડના કપરાડામાં 15 ઇંચ, ધરમપુરમાં 14 ઇંચ, પારડીમાં 11 ઇંચ, સુબીરમાં 11 ઇંચ, વાપી, વઘઇમાં 10 ઇંચ, ખેરગામ, ડોલવાણ, ઉંમરગામમાં 9 ઇંચ, નાદોંદ, ડાંગ, ડભોઇમાં 8 ઇંચ, કરજણમાં 6 ઇંચ, વલસાડ, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા, વાલોદમાં 5 ઇંચ, ડેડીયાપાડા, ચીખલી, વંથલી, ગોધરા, વિસાવદર, કેશોદ, તારાપુર અને માંગરોળમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત અનરાધાર વરસાદના કારણે હવે અતિવૃષ્ટિનો ખતરો પણ ઝળુંબી રહ્યો છે. જગતાત મેઘરાજાને હવે ખમૈયા કરવા વિનવી રહ્યો છે. બીજી તરફ એક પછી એક સિસ્ટમો સતત સક્રિય થઇ રહી હોવાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સતત વધારવામાં આવી રહી છે. હજુ શનિવાર સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડના ધરમપુરમાં સવારે બે કલાકમાં સુપડાધારે 4 ઇંચ અને નવસારીના ગણદેવીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાઇ જવા પામ્યું છે. સતત વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી રહી છે. તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે.

Screenshot 1 15

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.