મગફળીના પાકને ભારે નુકશાન: અનેક વૃક્ષો ધરાશાયી થયા: અચાનક ત્રાટકેલા કરા સાથે તોફાની વરસાદથી ખેડુતોને બેવડો માર પડ્યો
આમ તો, ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે અને શિયાળાના આગમનની પણ અનુભૂતિ થઈ રહી છે ત્યારે ગઈકાલે અમરેલી, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા, બગસરા અને ધારી પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને માવઠા જોવા મળ્યા હતા. ભારે પવન સાથે તોફાની વરસાદના ઝાપટા અને બરફના કરા વરસતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તેમજ ભારે પવન સાથેના માવઠાથી શિયાળુ પાકને ભારે નુકસાન થયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તો અમુક વિસ્તારમાં મકાનોમાં છાપરા-નળીયા પણ ઉડી ગયા હતા.અમરેલી, ધારી, સોમનાથ પંથકમાં બપોરે ૩:૦૦ વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. સાથોસાથ મીઠાપુર, કાજલી, સવની, કોડીદ્રા, ઈન્દ્રોય, ભેરાડા, ગુણવંતપુર સહિતના નાના ગામોમાં ભારે પવન સાથે જોરદાર માવઠું વરસ્યું હતું. અનેક સ્થળોએ બરફના કરા પડયા હતા. વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. આ વરસાદથી કાજલી માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લા પાકને ભારે નુકસાન થયું હતું. તાલાલા પંથકમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ ગીર, માધુપુર ગીર, જશાધાર ગીર, સેમરવાવ સહિતના ગામોમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય તાલાલા પંથકના ગામોમાં અમીછાંટણા થયા હતા. તાલાલા ગીરથી વેરાવળ જતા માર્ગમાં ઉમરેઠી ગીરના પાટીયાથી સેમરવાવ ગીરના પાટીયા સુધીમાં ભારે પવનની ઝપટમાં આવતા વૃક્ષો તથા થાંભલા પડી ગયા હતા. થોડા સમય માટે માર્ગ બંધ થઈ ગયો હતો. તાલાલા પંથકમાં મગફળીના તૈયાર પાકને નુકસાન થયું હતું.અમરેલી જીલ્લામાં પણ વાતાવરણમાં બપોર બાદ પલ્ટો થતા છુટાછવાયા ઝાપટા જોવા મળ્યા હતા. અચાનક જ પડેલા માવઠાથી શિંગ અને કપાસના પાકોને ભારે નુકસાની થતા ખેડુતો ઘેરી ચિંતામાં ડુબી ગયા હતા. બગસરા ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠુ પડયું હતું. દિવાળીને હવે ૧૦ થી ૧૨ દિવસ બાકી છે ત્યારે અચાનક માવઠા પડતા ખેડુતોની હાલત કફોડી બની છે. જોકે, પાછતરા કપાસના વાવેતરને આ વરસાદથી સારો એવો લાભ મળશે.