15 જૂનના બદલે 25 જૂન આસપાસ નેઋત્ય ચોમાસાનું વિધિવત આગમન: સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરતળે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા
ગુજરાત રાજ્યમાં ગત મહિનાના અંતમાં જ કમોસમી વરસાદ પડ્યો હતો. આ દરમિયાન અમદાવાદ શહેરમાં તો બરફના કરા પડતા જોવાજેવી થઈ હતી. તેવામાં અત્યારે પ્રિમોન્સુન એક્ટિવિટી સતત વધી રહી છે, ત્યારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એમ કરીને કુલ 2 સાયક્લોન વિકસિત થઈ રહ્યા છે. જેના પરિણામે જૂનના બીજા સપ્તાહમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. તો ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં થોડું પાછું ઠેલાઈ શકે છે. આમ તો 1 જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર એન્ટ્રી લે છે. જો કે, આ વખતે વરસાદી સિસ્ટમ પર વાવાઝોડું જોખમી સાબિત થાય તેવી સંભાવના છે. એટલે વરસાદી વાતાવરણ તો રહેશે, પરંતુ આ વાતાવરણ ચોમાસાનું નહીં હોય, તે વાવાઝોડાની અસર હશે.
અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય થઈ શકે છે. અરબી સમુદ્રમાં ચક્રવાત 3 થી 7 જૂન અને બંગાળની ખાડીમાં 7 થી 10 જૂન દરમિયાન સક્રિય થશે. વળી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે જે પાકની ખેતી માટે અનુકૂળ રહેશે. ઉલ્લેખનીય છે કે આ જે સાયક્લોન હશે તેનો સંભવિત માર્ગ ઓમાન તરફ અથવા સૌરાષ્ટ્ર તરફ હોઈ શકે છે. આ સાયક્લોન એક્ટિવ થયા પછી જો તે ગુજરાત તરફ આગળ વધ્યું તો રોહિણી નક્ષત્રના સમયગાળા વચ્ચે સારો વરસાદ થશે. જો આ પ્રમાણે સાયક્લોન ઓમાન તરફ આગળ વધે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યમાં એક સાથે બે-બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.
જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે
પ્રિમોન્સુન એક્ટિવિટી બાદ ગુજરાત રાજ્યમાં ચોમાસુ બેસી જશે. તેવામાં જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે, જ્યારે દક્ષિણપૂર્વ રાજસ્થાન પર પણ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. આ બંને સિસ્ટમની અસરને કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક સ્થળોએ વરસાદની અપેક્ષા સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.